૨૦૦૦ની નોટે ૪ રાજ્યોમાં ચૂંટણીનું ગણિત બગાડ્યું!

  • May 22, 2023 12:23 PM 

કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. આ ’ડિમોનેટાઈઝેશન’ ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે બે હજાર રૂપિયાની નોટો એક રીતે બજારમાં દેખાતી બંધ થઈ ગઈ હતી. ૨૦૧૬ માં તો પહેલી નોટબંધી વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ઉપર આવીને આ ૫૦૦ની અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ વખતે તો તેનાથી પણ મોટી નોટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેની જાહેરાત રિઝર્વ બેન્ક કે કરી છે રિઝર્વ બેન્ક એવું કહ્યું છે કે આ નિર્ણય ક્લીન નોટ પોલીસી હેઠળ લેવામાં આવ્યો છે.
મોદી સરકારે લોકડાઉન અને નોટ બંધી જેવા ઘણા નિર્ણયો અણધાર્યા જ લીધા છે અને લોકો કંઈ વિશેષ સમજે તે પહેલા આ નિર્ણયનો અમલ પણ થઈ જાય છે. પહેલી નોટબંધી વખતે તો લોકોને શું કરવું એ જ ખબર નહોતી પડતી અને આ નિર્ણય કરીને દેશને એક ક્યારેય ખતમ ન થાય તેવી ચર્ચાનો વિષય આપી દીધો હતો.


અચાનક લેવાયેલા આ નિર્ણયને દેશમાં સૌ ’નોટબંધી’ તરીકે ઓળખે છે, જેના કારણે ભારે અંધાધૂંધીનું વાતાવરણ ઊભું થયું હતું. રદ કરાયેલી નોટોને બેન્કોમાં બદલી આપવાનું નક્કી થયું હતું, પણ એક વ્યક્તિ રોજની માત્ર રૂપિયા ૪૦૦૦ની રકમની નોટ બદલી શકે, એવી મર્યાદા નિયત કરાઈ હતી.આ સુવિધા પણ મર્યાદિત સમય માટે જ અપાઈ હતી.ટીકાકારો કહેતા હતા કે નોટબંધીના કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને રોકડ વ્યવહાર પર જ આધાર રાખતા ગ્રામીણ વિસ્તારના ગરીબોને સૌથી વધારે નુકસાન થયું હતું.સરકારનું કહેવું હતું કે ભ્રષ્ટાચાર તથા ગેરકાયદે પ્રવૃત્તિને ઉત્તેજન આપતા બિનહિસાબી નાણાંને બહાર લાવવા માટે આ પગલું લેવાયું હતું.આવું નાણું છુપાવી રખાતું હતું અને તેના પર વેરો પણ ભરવામાં આવતો નહોતો.


એવું ધારી લેવામાં આવ્યું હતું કે આવું બેહિસાબી નાણું મોટા પ્રમાણમાં જેમની પાસે હશે તેઓ તેમને નવી નોટોમાં બદલી શકશે નહીં.આમ છતાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ આપેલા આંકડા અનુસાર ઑગસ્ટ ૨૦૧૮ સુધીમાં ૯૯%થી પણ વધુ જૂની નોટ બેન્કોમાં જમા થઈ ગઈ હતી.આ નવાઈજનક સ્થિતિ હતી અને તેના કારણે નોટબંધીની નવેસરથી ટીકા થઈ હતી.આ સ્થિતિ માટે એવું કારણ જણાવવામાં આવ્યું કે રોકડમાં મોટા પ્રમાણમાં કાળું નાણું સાચવવામાં આવતું નથી. બેહિસાબી નાણું હતું તે લોકો કોઈ ને કોઈ રીતે તેને નવી નોટોમાં ફેરવી શક્યા હતા.
૨૦૦૦ ની નોટ બંધ કરવાનો નિર્ણય પણ ચર્ચાસ્પદ તો છે જ પરંતુ ગરીબ અને મધ્યમ તથા ઉચ્ચ મધ્યમ વર્ગને બહુ અસરકર્તા નથી કારણ કે આ નોટ નો જન્મ થયો ત્યારથી જ શ્રીમંતો અને હવાલા કરવાવાળાઓએ તેને પોતાની પાસે રાખી લીધી હતી. ૨૦૦૦ની નોટ એટીએમમાં નીકળવાની તો ઘણા સમયથી બંધ થઈ ગઈ હતી,બેંકો પણ આપતી ન હતી. આવી સ્થિતિમાં બેંકોમાં જઈને લાઈનમાં ઊભા રહેવાનું અને બીજાના ખાતામાં જમા કરાવવાનું અને એવી બધી કડાકૂટ આ વખતે નહીં થાય.


જેની પાસે બે નંબરના રૂપિયા પડ્યા છે તેમને જરૂરથી ચિંતાનો વિષય છે કારણ કે સરકારે જાહેર કરેલા નિયમો અનુસાર તે જમા કરાવે તો આવકનો સ્ત્રોત જાહેર કરવો પડે તેવું છે. આવી સ્થિતિમાં ગોલ્ડ અને ક્રિપ્ટો કરન્સી જેવા માં રોકાણ કરીને બચવાનો વિચાર થઈ રહ્યો છે.
અત્યારે તો એવું લાગે છે કે ૨૦૦૦ ની નોટ બંધ થઈ તેની સૌથી વિપરીત અસર રાજકારણીઓને પડવાની છે અને કદાચ એટલે જ રાજકીય પક્ષોએ ૨૦૦૦ રૂપિયાની નોટબંધી પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે,
રાજકીય નિષ્ણાતો એ હકીકતને સ્વીકારી રહ્યા છે કે કોંગ્રેસ શાસિત બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાન અને ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને બીઆરસી શાસિત તેલંગાણામાં આવનારી ચૂંટણીમાં આ નોટબંધીની અસર પડી શકે છે. ઈન્કમટેક્સ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓનું પણ કહેવું છે કે ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલી રોકડ એ દર્શાવે છે કે ચૂંટણીમાં પૈસા લઈને જ ચૂંટણી મેનેજમેન્ટ કરવામાં આવે છે.


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બે હજાર રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને રાજકીય વર્તુળોમાં અલગ જ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક મહિનામાં ચાર રાજ્યોમાં મોટી ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ નોટબંધી થઈ છે. દેશમાં ચૂંટણી સર્વેક્ષણ કરતી અગ્રણી એજન્સી સાથે સંકળાયેલા અને ચૂંટણી દરમિયાન થતા ખર્ચ પર નજર રાખનારા કહે છે કે ચૂંટણી દરમિયાન કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે તે કોઈનાથી છુપૂ નથી. એ અલગ વાત છે કે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે તે તમામ ખર્ચ બતાવવાના હોય છે, પરંતુ ચૂંટણી લડવા માટે વાસ્તવમાં કેટલો ખર્ચ થાય છે તે પણ બધાને ખબર છે. આ સિવાય એવું કહેવાય છે કે ચૂંટણીમાં ફંડ મેનેજમેન્ટ બહુ મોટી પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં મોટી નોટો બંધ થવાના કારણે ચૂંટણી ફંડ મેનેજમેન્ટને પણ અસર થશે.


રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૬માં નોટબંધી બાદ ચૂંટણી યોજાઈ હતી અને તેને કારણે ઘણાને નેવાના પાણી મોભે ચડાવવા જેવો અનુભવ થયો હતો.
નેશનલ ઈકોનોમિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના અનમોલ ચતુર્વેદીનું કહેવું છે કે બજારમાંથી અચાનક ૨૦૦૦ રૂપિયાની નોટો ક્યાં ગાયબ થઈ ગઈ તે ચિંતાનો વિષય હતો. ચતુર્વેદીનું કહેવું છે કે હવે આવનારી ચૂંટણીમાં તેની કેટલી અસર થશે તે કહેવું થોડું મુશ્કેલ છે.
​​​​​​​
આવકવેરા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલી રોકડ દર્શાવે છે કે ચૂંટણીમાં બિનહિસાબી નાણાંથી ચૂંટણીનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણી દરમિયાન રોકડ જપ્ત કરવી એ સામાન્ય બાબત બની ગઈ છે. તેઓ કહે છે કે કેટલીકવાર લોકો તેમના દસ્તાવેજો બતાવીને તેમના પૈસા બચાવી લે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ રકમ જપ્ત થઈ જાય છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે કે જ્યારે ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં આવી ત્યારે આનાથી બ્લેક માર્કેટિંગ બંધ થશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. તેમનું કહેવું છે કે જવાબદાર એજન્સીઓ સારી રીતે સમજી ગઈ હશે કે બજારમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો અચાનક કેમ ગાયબ થઈ ગઈ. કદાચ આ જ કારણ હતું કે આ નોટો બંધ કરવામાં આવી હતી. તેઓ કહે છે કે જેમણે આ મોટી નોટો બંધ કરી છે અને તેને ’અનએકાઉન્ટેડ અમાઉન્ટ’ તરીકે રાખી છે, તેમની મુશ્કેલીઓ ચોક્કસપણે વધવાની છે. તેમનું કહેવું છે કે બ્લેક મની તરીકે ઉપયોગમાં લેવાતી આ નોટોની અસર અલગ-અલગ જગ્યાએ ચોક્કસપણે જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application