BREAKING NEWS

પગાર પ્રશ્ને મહાપાલિકાના કોન્ટ્રાક્ટચ્યુલ ૨૦૩ ડ્રાઇવરોની ફરી વિજળીક હડતાલ

  • October 15, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ફાયર બ્રિગેડ વિભાગના ૮૧, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ૯૫ અને કંઝરવંસી વિભાગના ૨૭ સહિત કોન્ટ્રાક્ટ બેઝના કુલ ૨૦૩ ડ્રાઇવરોએ આજે પગાર સહિતના પ્રશ્ને વિજળીક હડતાલ પાડતા દોડાદોડી થઇ ગઇ હતી.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ પહેલા પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા સોલીડ વેસ્ટના વિભાગના ડ્રાઇવરોને આપવામાં આવેલ વચન મુજબની મુદ્દત પૂર્ણ થવા છતાં પગાર ન મળતાં સવારથી કામનો બિહષ્કાર કરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝના તમામ ૮૧ ડ્રાઇવરએ હડતાળ શરૂ કરતા મુશ્કેલ સ્થિતિ નિર્માણ થઇ છે. દિવાળી નજીક હોય ફાયર વિભાગ દ્વારા વધારાના ફાયર સ્ટેશનો તેમજ ઇમરજન્સી માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી રહી છે બરાબર ત્યારે જ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરતા ઇમરજન્સી સેવાને અસર પહોંચવાની ભીતિ સર્જાઇ છે.

ડ્રાઇવરોએ ચડત પગાર, હાલનો પગાર અને પગાર વધારવા મુદ્દેે રજૂઆત કરવા છતાં આજ સુધી નિવેડો આવ્યો ન હતો. દરમિયાન હાલ દિવાળીના તહેવાર ટાણે ચડત તેમજ હાલનો પગાર ન ચૂકવાતા ડ્રાઇવરોમાં રોષ વ્યાપી ગયો હતો. સોમવારના રોજ તમામ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી જતા તંત્રએ બે દિવસમાં પ્રશ્ર્નનો નિવેડો આવી જેશે તેવી ખાતરી આપી હતી જેની મુદ્દત આજે બુધવારે પૂર્ણ થવા છતાં પગાર ન મળતા આજ સવારથી તમામ ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તેવી જ રીતે ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝના ૮૧ ડ્રાઇવરોએ પણ પગાર મુદ્દે હડતાળનું એલાન કરતા દોડાદોડી થઇ પડી હતી. ફાયર વિભાગ ઇમરજન્સીમાં આવતો હોવાથી દરેક વાહનો માટે એક કાયમી અને એક કોન્ટ્રાક્ટ બેઇઝ સહિત બે-બે ડ્રાઇવરો રાખવામાં આવ્યા છે અને દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન આગની દુર્ઘટનાઓમાં વધારો થવાથી તમામ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવતી હોય છે. અને ૨૪×૭ નોકરીના ઓર્ડર કરવામાં આવતા હોય છે. આવા સમયે જ ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટ બેઝના તમામ ડ્રાઇવરો હડતાલ ઉપર જતા ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝના ૨૦૩ ડ્રાઇવરોએ આજે હડતાળનું એલાન આપતા અધિકારીઓએ આ મુદ્દે કોન્ટ્રાક્ટરને નોટીસ આપી હોવાનુે જાણવા મળે છે. જયારે ડ્રાઇવરોએ પગાર વધારો તથા બોનસ અને ઇએસઆઇ કાર્ડ મેળવ્યુ જોઇએ તે સહિતની માંગ સાથે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application