BREAKING NEWS

રેલનગરમાં ૨૦૮ અનધિકૃત સંગ્રહ કરેલા ગેસ સિલિન્ડર જપ્ત કરાયા

  • October 14, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ અને મામલતદારની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને રેલનગર વિસ્તારમાં ચાલતા એક ગેરકાયદે ગેસ સિલિન્ડરના ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કુલ રૂ. ૪,૭૩,૪૪૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, જિલ્લા પુરવઠા અધિકારીને રેલનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને રિફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે મામલતદાર (પૂર્વ), રાજકોટ શહેર તથા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષકોની એક સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ખાતે આવેલા અમૃત પ્લસ પાર્ટી પ્લોટની સામેના ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગોડાઉનમાં સુરક્ષા અને નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. ગેસ સિલિન્ડર જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી પદાર્થોના સંગ્રહ માટે અનિવાર્ય એવું એક્સપ્લોઝિવ લાઇસન્સ કે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ગોડાઉન સંચાલકો પાસે ઉપલબ્ધ ન હતું અને તેઓ આ અંગેના કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આ સિવાય, સ્થળ પરથી ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા પાઇપ અને વાલ્વ જેવા શંકાસ્પદ સાધનો મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે અહીં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ પણ કરવામાં આવતું હતું.
વહીવટી તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, સિલિન્ડરના સ્ટોક અને તેના વિતરણ સંબંધિત જરૂરી રજિસ્ટરો કે ખરીદીના પાકા બિલો પણ રાખવામાં આવ્યા ન હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે, ગોડાઉનમાં આગ જેવી કટોકટીની સ્થિતિ સામે સુરક્ષાની કોઈ પૂરતી વ્યવસ્થા ન હતી, જે આસપાસના રહેણાંક વિસ્તાર માટે મોટું જોખમ ઊભું કરી શકતું હતું. આ તમામ ગંભીર ગેરરીતિઓ અને નિયમભંગ બદલ પુરવઠા વિભાગની ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને સ્થળ પરથી ભરેલા અને ખાલી મળીને કુલ ૨૦૮ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૧૩,૪૪૦ થાય છે. આ સાથે જ ગેસની હેરફેર માટે વપરાતા રૂ. ૧,૬૦,૦૦૦ની અંદાજિત કિંમતના બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ગેસનું વેચાણ અને રિફિલિંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application