દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર મહિલાઓ સહિત ૨૨ જુગારીની અટકાયત
પાંચ સ્થળોએ જુગાર દરોડામાં ચાર લાખથી વધુનો મુદામાલ જપ્ત
ખંભાળિયામાં મહેશ્વરી સમાજની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં જાહેરમાં બેસીને મોડી રાત્રિના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મુકેશ ખીમાભાઈ ફફલ, રામજી કાયાભાઈ હાથીયા, અમિત નાથાભાઈ ડનેચા અને જયેશ નરેન્દ્રભાઈ ડોરૂ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. ૭,૫૦૦ ની રોકડ રકમ તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા ૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન પીઠાભાઈ જોગલ, વિપુલભાઈ ડાંગર અને કરણભાઈ સોંદરવાની માહિતી પરથી ટાઉન વિસ્તારમાં કેરમના લાકડાના પાટિયા પર લુડો રમતનું ચિત્ર દોરી અને તેના પર શરત લગાવીને હારજીતનો જુગાર રમી રહેલા હમીદ હારૂન લોરૂ, કાસમ જુનસ ગજણ, સાલેમામદ સિદ્દીક સંઘાર અને હનીફ અનવર જસરાયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. ૧૨,૫૪૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૪,૦૪૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દ્વારકા પોલીસની કાર્યવાહીમાં વહેલી સવારે ચાર વાગે વ્રજ લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં રહેતા આશાબેન પ્રકાશભાઈ કાંતિલાલ ચંદારાણા નામના ૩૯ વર્ષના મહિલાના રહેણાંક મકાનમાંથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમતા આશાબેન પ્રકાશભાઈ, મંજુબેન ગોવિંદભાઈ ગોહેલ, પરેશ મધુભાઈ વાળા, પ્રદીપ દેવશીભાઈ કોળી અને પરેશજતી બચુજતી બાવાજી નામના પાંચ વ્યક્તિઓને ઝડપી લઈ, રૂ. ૧૦,૪૩૦ ની રોકડ રકમ, ચાર મોબાઇલ અને એક મોટરકાર મળી કુલ રૂ. ૨,૨૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ અપરાધ નોંધ્યો હતો.
ઓખા નજીકના મૂળવેલ ગામેથી એલસીબી પોલીસે શિવાભા મોમૈયાભા જગતિયા, બુધિયાભા પબુભા માણેક, પત્રામલભા દેવુભા માણેક, બહાદુરભા ખેતાભા માણેક, આરીફ વલીમામદ ચાવડા અને કાસમ બચુભાઈ સુમણીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂ. ૩૦,૮૦૦ ની રોકડ રકમ તથા ૬ મોબાઈલ અને ૩ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૩૫,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં મોજપ ગામેથી લખ્મીબેન હઠુભા ચમડીયા, સુનિતાબેન રાયશી નાયાણી અને રામભા બાલુભા કારા નામના ત્રણ શખ્સો ગંજીપત્તા વડે જુગાર રમતા રૂ. ૨૨,૫૪૦ ની રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા.