જામનગરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ૨૨ મોબાઈલ મૂળ માલિકોને પરત
આજકાલ પ્રતિનિધી
જામનગર
જામનગર શહેરની સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરી ગુમ થયેલા ૪,૧૧,૦૭૧ની કિંમતના ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડના નેતૃત્વમાં તથા પીએસઆઈ આર.એલ. કંડૌરીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ શોધવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ જાડેજાએ સીઈઆઈઆર પોર્ટલ અને વિવિધ ટેકનિકલ માધ્યમોની મદદથી છેલ્લા બે મહિનામાં આ મોબાઈલ શોધી કાઢ્યા હતા.
શોધી કાઢવામાં આવેલા મોબાઈલમાં વનપ્લસ, વિવો, ઓપો, રિયલમી, સેમસંગ સહિતની કંપનીઓના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. જામનગર શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ આસપાસના જિલ્લાઓમાંથી મળી આવેલા આ ૨૨ મોબાઈલ તેમના મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત સોંપવામાં આવ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા કિંમતી મોબાઈલ પરત મળતાં નાગરિકોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.