નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ ગરીબ પરિવારોને મળવાપાત્ર રેશનકાર્ડની યાદીમાં રેલવેના કર્મચારીઓનાં નામ નોંધાયેલા હોવાના પ્રકરણમાં હવે મુંબઈ રેલવે ડિવિઝનનો પણ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈ ડિવિઝનમાં 24 જેટલા ગેઝેટેડ ઓફિસર સહિત વિવિધ વિભાગના 3057 રેલકર્મીઓનાં નામ એનએફએસએ રેશનકાર્ડધારક તરીકે નોંધાયેલાં હોવાનું બહાર આવતાં રેલવે વર્તુળોમાં ચર્ચા જાગી છે. બીજી તરફ રાજકોટમાં પાંચ ગેઝેટેડ ઓફિસર સહિત 774 રેલકર્મીઓનાં નામ સામે આવ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગે માગેલી વિગતો હજુ રેલવે દ્વારા પૂરી પાડવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દેશભરમાં ભારતીય રેલવેના આશરે 1.82 લાખ કર્મચારીઓને એનએફએસએ હેઠળના સંભવિત રેશનકાર્ડધારક તરીકે અલગ તારવવામાં આવ્યા છે. આ યાદીના આધારે રેલવેના તમામ ડિવિઝનને કર્મચારીઓનું નિર્ધારિત માપદંડો મુજબ વેરિફિકેશન કરી 15 ડિસેમ્બર સુધીમાં ઝોનલ કચેરીને અહેવાલ મોકલવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ રાજકોટ ડિવિઝન પાસે રાજકોટ જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડધારક કર્મચારીઓના કાર્ડ નંબર સહિતની વિગતો માગી છે, જે હજુ મળી નથી. પુરવઠા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે પાસેથી વિગતો મળ્યા બાદ કાર્ડ નંબર કોમ્પ્યુટર સિસ્ટમમાં ચકાસવામાં આવશે. કાર્ડનો ઉપયોગ થાય છે કે કેમ, કયા હેતુસર કઢાવવામાં આવ્યું છે અને તેની પાછળની વિગતો તપાસ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. કર્મચારી એનએફએસએ રેશનકાર્ડ મેળવવા માટે અયોગ્ય જણાય તો કાર્ડ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
દરમિયાન રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલી વેરિફિકેશનની કામગીરીમાં અનેક કર્મચારીઓ પોતાના નામે એનએફએસએ કાર્ડ નોંધાયેલું હોવા છતાં પોતાની પાસે આવું કોઈ કાર્ડ ન હોવાનું સેલ્ફ ડિકલેરેશન કમ અન્ડરટેકિંગમાં જણાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓનાં નામે કાર્ડ કોણે અને કયા આધારે કઢાવ્યાં તે પણ તપાસનો વિષય બન્યો છે.
બીજી તરફ હાવરા ડિવિઝનના ડીઆરએમ વિશાલ કપૂરના નામે પણ એનએફએસએ રેશનકાર્ડ નોંધાયેલું હોવાનું અગાઉ બહાર આવ્યું હતું. હવે મુંબઈ ડિવિઝનના આંકડા સામે આવતાં માત્ર વ્યક્તિગત ભૂલ નહીં, પરંતુ આ પ્રકારનાં કાર્ડ મેળવવા પાછળ કોઈ વ્યવસ્થિત પ્રક્રિયા કે ગેરરીતિ છે કે કેમ તે દિશામાં પણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, આ અંગેની હકીકત પુરવઠા વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.