BREAKING NEWS

દ્વારકામાં જુગારના ચાર દરોડામાં ૨૫ શખ્સો ઝડપાયા

  • September 12, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં જુગારના ચાર દરોડામાં ૨૫ શખ્સો ઝડપાયા

ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાંથી કુલ ૧.૮૯ લાખનો મુદ્દામાલ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર સામે પોલીસે એક જ દિવસે ચાર અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૨૫ શખ્સોને ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સામોર અને હંજરાપર, કલ્યાણપુર તાલુકાના નંદાણા તેમજ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે થયેલી કાર્યવાહીમાં પોલીસે કુલ ૩૯,૩૫૦ની રોકડ, પાંચ મોબાઈલ ફોન અને નવ મોટરસાયકલ સહિત રૂ.૧,૮૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના સામોર ગામની સામોરીયા સીમ શાળાની પાછળના ખુલ્લા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા.

ઝડપાયેલા શખ્સોમાં માલદેભાઈ વીરાભાઈ ચાવડા, જીવાભાઈ ગોગનભાઈ આંબલીયા, ડાડુભાઈ દેવશીભાઈ નંદાણીયા, દેવાભાઈ ખીમાભાઈ આંબલીયા, નારણભાઈ હેભાભાઈ ગોજીયા અને હરદાસભાઈ કાનાભાઈ ગોજીયાનો સમાવેશ થાય છે. તમામ સામોર ગામના રહેવાસી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કુલ રૂ.૧૬,૩૭૦ની રોકડ રકમ કબ્જે કરી છે.

ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામેથી પોલીસે જુગાર દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહેશભાઈ રણમલભાઈ કણઝારીયા, પ્રવિણભાઈ નારણભાઈ વહેરા, નરશીભાઈ હિરાભાઈ કણઝારીયા અને વેજાભાઈ દેવાભાઈ વહેરા નામના ચાર શખ્સોને રૂ.૧૦,૭૩૦ની રોકડ અને રૂ.૨૫ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૫, ૭૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે ડેમની પાળ પર બેસીને જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ધર્મેશભાઈ નરશીભાઈ નકુમ, અમીતભાઈ રણછોડભાઈ નકુમ, કાર્તીકભાઈ રણછોડભાઈ ડાભી, જમનભાઈ વેરજીભાઈ કણજારીયા, અશોકભાઈ હીરાભાઈ માતંગ, હેમતભાઈ લાખાભાઈ મકવાણા, નારણભાઈ સામજીભાઈ નકુમ, અલ્પેશભાઈ ખીમાભાઈ નકુમ, અરવિંદભાઈ વિપુલભાઈ નકુમ, રમેશભાઈ લાખાભાઈ માતંગ, હરીશભાઈ શામજીભાઈ નકુમ અને ભોલાભાઈ રામાભાઈ ચાવડા નામના ૧૨ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા કલ્યાણપુર પોલીસે કાર્યવાહી કરતા આ દરોડાથી જુગારીઓમાં દોડધામ મચી હતી. જોકે પોલીસે સ્થળ પરથી તમામ ૧૨ શખ્સોને ઝડપી લઇ, રૂ.૧૦,૨૨૦ની રોકડ અને અંદાજે રૂ. સવા લાખની કિંમતના નવ મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૩૫,૨૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિરના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળતાં ભાણવડ પોલીસે દરોડો પાડી, અહીંથી કાનાભાઈ રામાભાઈ ડાંગર, સામતભાઈ મારખીભાઈ કરમુર અને જલાભાઈ રણમલભાઈ કરમુરને રૂ. ૨૦૩૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર સામે હાથ ધરાયેલી ચાર અલગ-અલગ કાર્યવાહીમાં કુલ ૨૫ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.૩૯,૩૫૦ની રોકડ, પાંચ મોબાઈલ ફોન, નવ મોટરસાયકલ તથા ૩૧૨ ગંજીપત્તાના પાના મળી રૂ.૧,૮૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારાની કલમ મુજબ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application