ટંકારાના લજાઈ દેવ પોલીપેક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાન કારખાનાની પાછળ આવેલી ઓરડી પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાબતે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા સામેની ઓરડીમાં રહેતો યુવક મૃતકને માર મારતો હોવાનું જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે. ઘટનાના પગલે ટંકારા પોલીસ દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીનો અને હાલ લજાઈમાં આવેલી દેવ પોલીપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતો પિન્ટુ વર્મા (ઉં.વ.25)નો યુવાન તા.27ના કારખાનાની પાછળ આવેલી ઓરડી પાસેથી રાત્રીના દશેક વાગ્યે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાની તપાસ માટે કારખાનાના સીસીટીવીની તપાસ કરતા યુવકને તેની સામેની ઓરડીમાં રહેતો યુપીનો અંગત નામનો શખસ હાથથી માર માર્યા બાદ લોખંડનો હૂંક મારી દઈ અંદર ચાલ્યો ગયો હોવાનું જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.
યુવાન પાંચ મહિના પહેલા જ કામે આવ્યો હતો
મૃતક યુવાન પાંચ મહિના પહેલા જ કામે આવ્યો હતો, સંતાનમાં એક પુત્ર છે જે તેમની માતા સાથે વતનમાં રહે છે, અને હત્યા કરનાર અંગત નામનો શખસ દશેક દિવસ પહેલા જ કારખાનામાં કામે લાગ્યો હતો. બંને વચ્ચે અગાઉ કોઈ બાબતે માથાકૂટ થઇ હતી કે કે કેમ ? સહિતના મુદ્દે વધુ તપાસ પોલીસે હાથ ધરી હત્યા કરનાર યુપીના શખસને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે.