રાજકોટના બજરંગવાડી સર્કલ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવકે બ્લેકમેઇલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દશેરાના પાવન દિવસે આજીડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પીને ગંભીર પગલું ભરી લેનારા યુવરાજ કેતનભાઈ થાપા નામના યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતક યુવકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, મેહુલ જેઠવા અને શ્રદ્ધા રાજપૂત નામના બે શખ્સો યુવરાજને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બંને શખ્સો યુવકના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને અવારનવાર બ્લેકમેઇલ કરતા હતા. આ બ્લેકમેઇલિંગના કારણે યુવક છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ હેઠળ જીવી રહ્યો હતો.
આરોપીઓએ ધમકી આપીને યુવરાજ પાસેથી રૂ. 5થી 6 લાખ રોકડા અને અંદાજે રૂ. 5 લાખની કિંમતનું સોનું પડાવી લીધું હતું. એટલું જ નહીં, બંને શખ્સોએ યુવકના નામે બેંકમાંથી લોન કરાવીને મોંઘી ચીજવસ્તુઓ પણ પોતાના નામે હડપ કરી લીધી હતી. સતત વધતી જતી આર્થિક માંગણીઓ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને આખરે યુવરાજે પોતાનું જીવન ટૂંકાવી લેવાનો આત્યંતિક નિર્ણય લીધો હતો.
આ સમગ્ર મામલે યુવકના મોત બાદ પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને બ્લેકમેઇલ કરનારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવકના ફોન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેથી આરોપીઓ સામે નક્કર પુરાવા એકત્રિત કરી શકાય.