દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાંથી ૨૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા
પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : અલગ અલગ છ સ્થળે દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારની બદી સામે પોલીસે લાલઆંખ કરી સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવી જુગાર રમતા કુલ ૨૭ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ છ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં આવેલા એક મકાન પર એલસીબીની ટીમે સફળ રેઇડ કરી હતી. ત્યાં કરશનભાઇ રણમલભાઇ ચાવડા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી, લાઈટ-પાણીની સુવિધા પુરી પાડી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હતો. એલસીબીએ આ અખાડા પર ત્રાટકીને કરશનભાઇ ચાવડા, ભીખુભાઇ જગતીયા, કાંન્તીલાલ જગતીયા, મીલનભાઇ ચાવડા, રામભાઇ ગાધેર, રાજુભાઇ ઉર્ફે જગુ નંદાણીયા, કાનાભાઇ કરમુર અને નથુભાઇ ચાવડા સહિત કુલ ૮ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૬૭,૪૦૦/-, ૪ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂા. ૬૦,૦૦૦/-) તથા બે વાહનો (કિંમત રૂા. ૮૦,૦૦૦/-) મળી કુલ રૂા. ૨,૦૭,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં, એલસીબી શાખાએ ખંભાળીયા તાલુકાના ઝાકસીયા ગામે ભટ્ટ ફળીમાં રહેતા સુરેશભાઇ માધવજીભાઇ ભટ્ટના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ કરી હતી. સુરેશભાઇ ભટ્ટ પોતાના કબજાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતી રોન પોલીસનો જુગાર રમાડતા રંગેહાથ પકડાયા હતા. પોલીસે સુરેશભાઇ ભટ્ટ, મનસુખભાઇ જોષી, જામનગરના નિવૃત્ત કલ્યાણજીભાઇ જોષી, ચંદુભાઇ ભટ્ટ અને અલારખાભાઇ ઉર્ફે હક્કો સરવદી સહિત પાંચેય આરોપીઓને ઝડપી પાડી રોકડા રૂા. ૩૪,૦૦૦/- તથા ૩ મોબાઈલ મળી કુલ રૂા. ૪૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત ખંભાળીયા પોલીસે નાના આસોટા ગામમાં અલગ-અલગ જગ્યાએ ચાલતા જુગાર પર ધોંસ બોલાવી હતી. નાના આસોટા ગામના કટકી વાડી વિસ્તારમાં ધર્મેશ રામાવતની વાડી પાસે ખુલ્લા કૂવા નજીક તીનપતીનો જુગાર રમતા બે અલગ-અલગ જૂથોને પકડવામાં આવ્યા હતા. જેમાં એક જૂથમાંથી સિધ્ધરાજ દાઉભા માણેક, કરશનભાઇ માણેક, મોહનભાઇ નિરંજન, ભીખુભા માણેક અને કાલીદાસ નિરંજન નામના પાંચ શખ્સો પાસેથી રોકડા રૂા. ૨૯,૩૦૦/-, ૫ મોબાઈલ તથા ૩ મોટરસાયકલ મળી કુલ રૂા. ૧,૪૪,૩૦૦/-નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે તેની નજીકથી જ જુગાર રમતા ધર્મેશભાઇ રામાવત, જામનગરના હાર્દિકભાઇ અગ્રાવત, ધનશ્યામભાઇ નીરજંની અને યોગેશભાઇ નીરજની સહિત ચાર શખ્સો પાસેથી રોકડા રૂા. ૧૨,૭૦૦/-, ૩ મોબાઈલ અને ૧ મોટરસાયકલ મળી કુલ રૂા. ૬૭,૭૦૦/-નો મુદ્દામાલ પકડાયો હતો.
તેમજ નાના આસોટા ગામના તળાવની પાળે જાહેરમાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ધરમશીભાઇ પરમાર, રાણાભાઇ ઓડિચ, ધારાભાઇ ધારણી અને ભરતભાઇ દુધરેજીયા નામના ચાર શખ્સોને રોકડા રૂા. ૧૧,૪૨૦/- તથા મોટરસાયકલ સહિત કુલ રૂા. ૩૬,૪૨૦/-ના મુદ્દામાલ સાથે દબોચી લેવાયા હતા. આ સાથે તળાવ પાસે જાહેરમાં તીનપતી રમતા દખણાદા બારા ગામના સિધરાજસિંહ અજીતસિંહ જાડેજા અને હરપાલસિંહ ભરતસિંહ જાડેજા નામના બે યુવાનોને પણ પોલીસે રોકડા રૂા. ૧૨,૫૦૦/- સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.