BREAKING NEWS

હાલારના હમદમ સાંઘ્ય દૈનિક ‘આજકાલ’ની ૨૮મી વર્ષગાંઠ

  • August 17, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના હમદમ સાંઘ્ય દૈનિક ‘આજકાલ’ની ૨૮મી વર્ષગાંઠ

જામનગરના નંબર વન સાંઘ્યદૈનિક ‘આજકાલ‘ની ૨૮મી વર્ષગાંઠે આજની આવૃતિ હાલારના સુજ્ઞ વાંચકો સમક્ષ પ્રસિઘ્ધ કરીને અમે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ, ‘આજકાલ‘ની અપ્રતિમ સફળતાનું  શ્રેય વાંચકોને અર્પીએ છીએ અને વધુ એક વખત આજના દિવસે એ સંકલ્પ વ્યકત કરીએ છીએ કે, લોકલક્ષી અભિગમથી ચાલતું આપનું પોતીકુ અખબાર ‘આજકાલ‘ હરહંમેશ એક પરીવારના સભ્યની જેમ આપની પડખે રહેશે, આ સાથે સર્વ શકિતમાન ઇશ્ર્વર પાસે એ પ્રાર્થના પણ કરીએ છીએ કે, આવનારા વર્ષ આપણા દેશ માટે, આપણા રાજય માટે અને સમગ્ર હાલાર માટે વધુને વધુ સુખ, શાંતિ લાવે, સૌહાર્દનું વાતાવરણ જળવાઇ રહે, દરેકની મનોકામના પૂર્ણ થાય.

અખબારી વ્યવસાયને ચોથી જાગીર ગણવામાં આવે છે, પરંતુ તેને વ્યવસાય નહીં એક સેવાની ભાવના ગણીને ‘આજકાલ‘ના મોભી શ્રી ધનરાજભાઇ જેઠાણીએ ૧૬ ઓગષ્ટ ૧૯૯૯ના દિવસે જામનગરમાં ‘આજકાલ‘ની આવૃતિનો શુભારંભ કર્યો હતો. વિતેલા અઢી દાયકાથી વધુ સમયમાં હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભુમિ દ્વારકાના વાંચકો તરફથી અદભૂત અને અનન્ય પ્રેમ પ્રાપ્ત થયો છે, વાંચકોએ અમને પોતાના હદયમાં જે સ્થાન આપ્યું છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ અને અમને સંતોષ છે કે, અનેક પડકારો, મુશ્કેલીઓ વચ્ચે અડીખમ રહીને અમે અમારો અખબારી ધર્મ બજાવી શકયા છીએ.

નિડરતા, નિષ્પક્ષતા અને સમાનતા ભરી નજર સાથે આજકાલ દૈનિકે અખબારી મુલ્યોનું જતન કરવામાં જરા પણ પીછેહઠ કરી નથી, જેના આપ સૌ સાક્ષી છો અને વિશ્ર્વાસ રાખજો કે આવનારા વર્ષોમાં પણ આજકાલ નિર્ભેળ રીતે તટસ્થાપૂર્વક એક અખબાર તરીકેનો પોતાનો ધર્મ બજાવશે, મકકમતાપૂર્વક અમે અમારી નીતિ પર અડગ રહ્યા છીએ અને રહીશું.

એક જાગૃત પ્રહરીની ભૂમિકા કેવી રીતે ભજવવાની હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજકાલ એ હંમેશા પું પાડયું છે કારણ કે જયારે પણ પ્રજા માટે કોઇપણ પ્રશ્ર્ને અવાજ ઉઠાવવાની વાત આવી હોય ત્યારે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે, મોંઘવારીની વાત હોય, બેરોજગારીનો પ્રશ્ર્ન હોય, મહિલા સુરક્ષાનો સવાલ હોય, આરોગ્યની કથળતી સ્થીતીનો પ્રશ્ર્ન હોય, બાળકોના સ્વાસ્થ્યથી લઇને સુરક્ષાની વાત હોય કે પ્રજાને સતાવતી પાણી, ગંદકી, રોગચાળા, ટ્રાફિક, ઢોરના ત્રાસ, કુતરાના ત્રાસ સહિતની કોઇપણ સમસ્યા હોય આજકાલ દ્વારા હંમેશા સાચી હકિકતો પ્રસિઘ્ધ કરવામાં આવી છે અને જયારે પણ જ‚ર પડી ત્યારે કોઇના પણ કાન આમળતા આજકાલ કયારેય અચકાયું નથી અને અચકાશે પણ નહીં, કાયદો-વ્યવસ્થા, બદલાતી રાજકીય સ્થીતી, ગુજરાતમાં રાજકીય દ્રષ્ટીકોણથી હાલારનું મહત્વ કે પછી સોના, ચાંદી અને શેરમાર્કેટ સહિતની વ્યવસાયલક્ષી વાત હોય આજકાલએ તમામે તમામ ક્ષેત્ર પર ઝીણવટભરી નજર રાખીને લોકોને સમાચાર આપવાની ફરજ હંમેશા નિભાવી છે.

અમારી નીતિમાં ડર-ખોફને કોઇ સ્થાન નથી, ભુતકાળમાં જયારે પણ જર પડી ત્યારે આજકાલ દ્વારા પેનને ગન બનાવીને ચમરબંધીઓ સામે પણ બેખોફ રીતે અખબારી ધર્મ બજાવવામાં આવ્યો છે, અનેક જમીન કૌભાંડો જયારે રચાયા ત્યારથી અમે હંમેશા ભોગ બનેલા લોકોની પડખે ઉભા રહયા છીએ, આ સિવાય પણ કોઇપણ બાબત હોય જયારે પ્રજાને ખરેખર નિષ્પક્ષ પત્રકારત્વની જ‚ર પડી હોય ત્યારે અમે અમારી ફરજ બજાવવામાં જાગૃત રહયા છીએ અને આગળ પણ, આ જ રીતે આજકાલ ફરજ બજાવશે જે વચન અમે હંમેશા દોહરાવીએ છીએ.

આ જ બધા કારણો છે કે ‘આજકાલ‘એ ૨૬ વર્ષમાં જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના દરેક નાગરિકના હદયમાં એક આગવું સ્થાન હાસલ કર્યુ છે. ‘આજકાલ‘ નું મુખ્ય કાર્યાલય રાજકોટ ખાતે છે, ‘આજકાલ‘ની તમામ આવૃતિઓને વધુને વધુ અસરકારક બનાવવા અને લોકલક્ષી બનાવવાની રણનિતી તૈયાર થાય છે, અમદાવાદ, ભાવનગર અને પોરબંદરથી પ્રસિધ્ધ થતું ‘આજકાલ‘ દૈનિક રાજયના લાખો લોકોના દિલમાં સ્થાન મેળવવામાં સફળ થયું છે.

છોટીકાશી ગણાતા હાલારમાં તમામ ધર્મના કાર્યક્રમો વર્ષ આખા દરમ્યાન ચાલતા હોય છે અને ‘આજકાલ‘ દ્રારા તમામ ધર્મના લોકોને પુરતું મહત્વ આપીને સર્વધર્મ સમભાવની ભાવનાનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
અખબારી જગતમાં પાંચપાંચ આવૃતિ આપીને ધનરાજ ગ્રુપે અપ્રતિમ સફળતા મેળવી છે, ‘આજકાલ‘ વિશ્ર્વના ખૂણેખૂણે પહોંચી શકે તે માટે તેને ગ્લોબલ ટચ આપી ઇન્ટરનેટ એડીશનને નવા સમય મુજબ રિલોન્ચ કરી છે. યશકલગી સમાન ઇન્ટરનેટ એડીશનમાં સમાચારોનું સતત અપગ્રેડેશન થતું હોવાથી પળેપળના સમાચારો વાંચકો વેબવાઇટ પરથી મેળવી શકે છે, દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ આ વેબસાઇટથી પોતાના વતનના સમાચારો સહેલાઇથી મેળવી શકે છે અને સાથોસાથ ‘આજકાલ‘એ પોતાની એપ્લીકેશન પણ લોન્ચ કરી છે જેમાં એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈફોન યુઝર્સને સમાચારો આંગળીના ટેરવે મળી રહે અને તે પણ ખુબ જ ઝડપથી અને સરળ ભાષામાં. સતત નોટિફીકેશન દ્રારા સમાચારોની જાણ થાય આ કારણે જ દેશવિદેશમાં ‘આજકાલ‘ની આ સેવા ખુબજ લોકપ્રિય બની છે.

આજકાલની લોકપ્રિયતા માટે મોબાઇલ બ્રેકીંગ ન્યૂઝ સર્વિસનો પણ સિંહફાળો છે, નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ‘આજકાલ‘ દ્રારા વિજળીની ઝડપે દેશવિદેશની કે પછી સ્થાનિક કક્ષાની મોટી ઘટનાની માહિતી વોટસ એપ સર્વિસ મારફત મોબાઇલ પર બ્રેકીંગ ન્યૂઝ તરીકે મોકલવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે, આ સર્વિસનો લાભ હાલાર સહિત ગુજરાતના લાખો લોકો મેળવી રહ્યા છે, આજકાલની બ્રેકીંગ ન્યુઝ સર્વિસનો તો એટલો બધો ક્રેઝ છે કે કોઇપણ ક્ષેત્રમાં મોટી ઘટના બની હોય ત્યારે એ જાણતા લોકો ખુદ બ્રેકીંગ ન્યુઝ આપવા સૌ પ્રથમ આજકાલનો સંપર્ક કરે છે.

અમને ગર્વ છે કે જામનગરમાં સાંધ્ય અખબારની વાત આવે તો પ્રત્યેક જામનગરવાસી અને દેવભુમી દ્રારકાના લોકોના મોઢે પહેલું નામ આજકાલનું આવે છે અને આ જ અમારી લોકલક્ષી નીતિની જીત છે જેનો શ્રેય અમે કદરદાન વાંચકોને આપીએ છીએ.

ન્યુઝ સર્વિસની સાથેસાથે આજકાલ દૈનિક સતત હાઇટેક થઇ રહ્યું છે, વાંચકોની વર્તમાન માંગને વાંચા આપવા માટે છ કલર પેઇજ સાથે ૨૦ પેઇજનું દળદાર આજકાલ તૈયાર થઇ શકે એ માટે આધૂનિક મશીનરી પણ વિકસાવી લેવામાં આવી છે, અંદરના વધુ ચાર પેઇજ કલર કરીને જામનગરની સામાજીક, સેવાકીય સંસ્થાઓની સારી કામગીરીને કલરફુલ કવરેજ આપવા માટે આધુનિક મશીનરી લાવવામાં આવી છે, જેનો લાભ વાંચકોને મળી રહ્યો છે અને સારા કાર્ય કરનાર તમામને કલરફુલ કવરેજનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.
​​​​​​​
હાલારની પ્રજાના અદભૂત પ્રેમ થકી અમે પ્રગતિના પંથે છીએ અને આજે વર્ષગાંઠના અવસરે એટલું ચોકકસ કહેવા માંગીએ છીએ કે, વાંચકો, વિતરક બંધુઓ, એજન્ટ ભાઇઓ અને વિજ્ઞાપન દાતાઓના અનન્ય સહકારથી જ અમે સફળતાના એવરેસ્ટ પર પહોંચી શકયા છીએ જે માટે આ તમામનો ઋણ સ્વીકાર કરીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application