BREAKING NEWS

સાવરકુંડલા-રાજુલા હાઇવે પર સિંહોનું સામ્રાજ્ય: ત્રણ ડાલામથ્થાએ રસ્તા વચ્ચે કર્યો પશુનો શિકાર, 25 મિનિટ વાહનો રોકાઈ ગયા!

  • September 06, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોડી રાત્રે વનરાજોનો અનોખો મિજાજ જોવા મળ્યો હતો. આંબરડી ગામ નજીક મુખ્ય માર્ગ પર જ ત્રણ સિંહોએ એક પશુ પર ત્રાટકીને તેનો શિકાર કર્યો હતો. હાઇવેની વચ્ચોવચ સિંહો દ્વારા શિકાર કરવાની આ ઘટનાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં ક્ષણભર માટે ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. સિંહોના રસ્તા પરના અડિંગાને કારણે હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ ત્રણ સિંહોએ અચાનક પશુને દબોચી લીધું હતું અને શિકાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ કાળજુ કંપાવનારા અને કુતૂહલ સર્જતા દૃશ્યોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહનચાલકોએ પશુનો જીવ બચાવવા અને સિંહોને રસ્તા પરથી હટાવવા માટે વાહનોના હોર્ન અને સાયરન પણ વગાડ્યા હતા, પરંતુ વનરાજો પોતાના શિકારને છોડવા જરાય તૈયાર નહોતા. આ સમગ્ર ડ્રામા મુખ્ય હાઇવે પર આશરે ૨૫ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો.

મોડી રાત્રે રસ્તા પર ટ્રાફિક વધતા અને વાહનોનો ઘોંઘાટ થતાં, આખરે ત્રણેય સિંહો શિકાર કરેલા પશુને ઢસડીને રોડની નીચે લઈ ગયા હતા અને ત્યાં શાંતિથી તેનો આહાર કર્યો હતો. હાઇવેની બિલકુલ નજીક સિંહોના આ પ્રકારે શિકાર કરતા દૃશ્યો જોઈને વાહનચાલકોમાં એક તરફ કુતૂહલ તો બીજી તરફ ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, અગાઉ પણ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોએ રોડ કિનારે મારણ કર્યું હોવાના કિસ્સા બન્યા છે. પરંતુ રાજુલા-સાવરકુંડલા માર્ગ પર હાઇવેની વચોવચ આવીને સિંહોએ શિકાર કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની સાથે સિંહોની સુરક્ષા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application