BREAKING NEWS

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો વધુ વિગત

  • August 14, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં ગત બીજી ઓગસ્ટની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે અચાનક ત્રાટકીને એક મસમોટા હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. દરિયાપુરમાં આવેલા ચર્ચિત 'મનપસંદ જીમખાના ક્લબ' પર સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ન આવે તે રીતે અત્યંત ગુપ્તતાપૂર્વક આ મેગા દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીની આ સરપ્રાઇઝ કાર્યવાહી દરમિયાન ક્લબની અંદરથી રમાઈ રહેલા મોટા પાયાના જુગારધામમાંથી 187 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પરથી રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો જંગી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે ડીજીપી દ્વારા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આટલા મોટા પાયે અને હાઇપ્રોફાઇલ સ્તરે જુગારધામ ધમધમી રહ્યું હોય અને સ્થાનિક દરિયાપુર પોલીસ એનાથી સાવ અજાણ કે અજ્ઞાત રહે, તે બાબતને રાજ્ય પોલીસ વડા દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. પોતાના તાબાના વિસ્તારમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેવા બદલ અને ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા બદલ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આ ચર્ચિત કેસમાં કડક કાર્યવાહી કરતા દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી. વી. ગોહિલ, પીએસઆઈ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો આકરો હુકમ કરવામાં આવ્યો છે.


સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ રેઇડ અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલા સસ્પેન્શનના કડક નિર્ણયથી સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ભારે ફડફડાટ અને ચકચાર વ્યાપી ગઈ છે. સ્થાનિક પોલીસની રહેમરાહ કે નિષ્ક્રિયતા હેઠળ ચાલતા અડ્ડાઓ સામે એસએમસીના આ પ્રહારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈ પણ પ્રકારની ચલાવી લેવામાં આવશે નહીં. આ ઘટના બાદ અન્ય પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને અધિકારીઓમાં પણ ભારે ફાળ પડી છે.


દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ કક્ષાના મુખ્ય જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની આકરી કાયદાકીય એક્શન લેવાયા બાદ વિસ્તારની શાંતિ, સલામતી અને વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓની જગ્યા ખાલી પડતાની સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દરિયાપુર પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ વિધિવત ચાર્જ હાલ પૂરતો શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application