રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને સિંગલ યુઝ કેટેગરીના પ્રતિબંધિત પ્લાસ્ટિકથી મુક્ત અને સ્વચ્છ બનાવવા ત્રણેય ઝોનમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત બજારોમાં ૨૮૨ દુકાનોમાંથી ૩૦ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત કરી રૂ.એક લાખનો દંડ વસુલાયો હતો.પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ કરતા તેમજ જાહેરમાં ગંદકી કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી મ્યુનિ. કમિશનરની સૂચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિ. પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી હતી.ઝુંબેશ સાથે નાગરિકો અને વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી, શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીનો જ ઉપયોગ કરવો.ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.