ગઈકાલે સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ધૂળેટીના પર્વની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. જોકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધૂળેટીના પર્વમાં માતમના દૃશ્યો પણ સર્જાયા હતા. ખુશીના પર્વમાં રાજ્યમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 30 લોકોના મોત થયા હતા. જેનાથી અનેકના પરિવારોનો માળો વિખાયો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં એક, મહીસાગરમાં બે સગા ભાઈ સહિત પાંચ, અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં ત્રણ-ત્રણ લોકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા.
રાજ્યમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ધુળેટીના તહેવાર દરમિયાન નદી, કેનાલ અને તળાવમાં ડૂબી જવાથી યુવકો અને બાળકોના મોત થયા છે, જેમાં સુરત જિલ્લાની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ સાત, અમદાવાદ શહેર અને જિલ્લાની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ સાત, મહીસાગર જિલ્લામાં ચાર, નર્મદા જિલ્લામાં ત્રણ, મહેસાણા જિલ્લાની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ ત્રણ, અરવલ્લી જિલ્લાની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ ચાર, અમરેલી જિલ્લામાં એક, દ્વારકા જિલ્લામાં એક મોત સાથે કુલ 30 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. જોકે, ફાયર વિભાગને ત્રણ યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ ચાર યુવકોની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવાત રિવરફ્રન્ટ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
મહીસાગરમાં કંતાર ગામના વતની એવા ચાર યુવકો ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક ડૂબવા લાગ્યા હતા. આ યુવાનોમાં અમિતકુમાર વિનોદભાઈ બારીયા, તુષારકુમાર રુદ્રનાથ બારીયા, જયેશકુમાર જશવંતભાઈ બારીયા અને વિપુલકુમાર જશવંતભાઈ બારીયાનો સમાવેશ થાય છે.
આ ચાર પૈકી બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જિલ્લામાં અન્ય એક ઘટના વીરપુર તાલુકામાં બની હતી, જ્યાં સુલતાન પગીના મુવાડા ગામે કેનાલમાંથી મળેલા મૃતદેહ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે આ અકસ્માતે મોત છે કે અન્ય કોઈ કારણોસર. જોકે પોલીસે મૃતદેહ કબ્જે કરી બનાવ યુવક અને મોત અંગે તપાસ હાથ ધરી હતી.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક એક અત્યંત દુખદ ઘટના બની હતી. અહીંની એક રેસીડેન્સીમાં રહેતા યુવાનો સવારથી ધૂળેટી રમી રહ્યા હતા. રંગોથી રમી લીધા બાદ શરીર સાફ કરવા માટે આ યુવાનો નજીકમાં વહેતી કીમ નદીમાં નહાવા ગયા હતા. નહાતી વખતે ત્રણ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા મિત્રોની બૂમાબૂમ સાંભળી સ્થાનિકો અને તરવૈયાઓ દોડી આવ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ હતી. આ ત્રણેય યુવાનો ધૂળેટીના દિવસે નદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કોસંબા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતીય અને એક સ્થાનિક ગુજરાતી યુવાન હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બારડોલીના ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિઢોળા નદીમાં ધૂળેટીનો દિવસ હોય પાંચ યુવકો ન્હાવા પડ્યા હતા. જે પૈકી ઊંડા પાણીમાં યુવકો ડૂબ્યા હતાં. પાંચમાંથી એકનો બચાવ થયો હતો, ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મૃતક યુવકો બાબેન તેમજ બારડોલીનો રહેવાસી હતો.
અરવલ્લી જિલ્લામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે પણ ધૂળેટીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ગામના તળાવમાં નહાવા પડેલા બે માસૂમ બાળકના મોત નિપજ્યા હતા. ધનસુરા તાલુકાના જાલમપુર નજીકથી પસાર થતી માઝુમ નદીમાં નહાવા પડેલા બે મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે પિતરાઈ ભાઈઓ ધૂળેટી રમીને શરીર સાફ કરવા ગામના તળાવે ગયા હતા. આ બંને બાળકો ધોરણ પાંચ અને છમાં અભ્યાસ કરતા હતા. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે યુવાનો માઝુમ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીમાં ન્હાતી વખતે અચાનક બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ધનસુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટી પર્વના દિવસે એક ગંભીર દુર્ઘટના બની હતી. ગામના ત્રણ બાળકો ઝોલાસર તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતાં તેમના કરૂણ મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો. મૃતકોમાં પાર્થ મહેશભાઈ રાઠોડ, કૌશિક લાલભાઈ રાઠોડ અને સૌરભ અશોકભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય બાળકોની ઉંમર આશરે નવ વર્ષ હતી અને ત્રણેય સીતાપુર ગામના જ રહેવાસી હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ધૂળેટીના પર્વની ઉજવણી બાદ આ ત્રણેય બાળકો રંગો ઉતારવા માટે ઝોલાસર તળાવમાં ન્હાવા ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
મહેસાણાના મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ધૂળેટી રમીને બપોરના સમયે કેનાલમાં ન્હાવા પડેલા ચારેય યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા, જેમાં આસપાસના લોકોએ બે યુવકોને તો હેમખેમ બચાવી લીધા હતા, પરંતુ 14 વર્ષીય જયરાજ ઠાકોર અને 23 વર્ષીય વિજયજી ઠાકોર પાણીમાં લાપતા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તહેવારના દિવસે જ બે આશાસ્પદ યુવાનોના મોતથી રેલવેપુરા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કડીના થોળ રોડ પર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું હતું. મૃતક યુવકની ઓળખ કડીના હાઇવે ચાર રસ્તા પાસે રામાપીર મંદિર પાછળ આવેલા સલાણીયા વાસમાં રહેતા ૩૫ વર્ષીય શેરૂભાઈ હરચંદભાઈ સરાણીયા તરીકે થઈ હતી. શેરૂભાઈ પોતાના મિત્રો સાથે ધૂળેટીના તહેવારની ઉજવણીના ભાગરૂપે કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે અચાનક જ શેરૂભાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. ઘટના સ્થળે હાજર અન્ય લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા.