BREAKING NEWS

રાજકોટમાં રિંગ રોડ ફોરટ્રેકમાં નડતા ૩૦૦ વીજ પોલ દૂર; જેટકોએ લાઇન શિફ્ટિંગના 25 કરોડ માંગ્યા

  • February 18, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગંભીર બનતી જતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે તેમજ ભારે વાહનો શહેરથી બાયપાસ નીકળી શકે તે માટે રિંગ રોડ-૨નું નિર્માણ કરાયું હતું, હવે રિંગ રોડ-૨ ઉપર પણ ટ્રાફિક સર્જાતા તેમજ અકસ્માતો સર્જાવા લાગતા આ રોડને ફોર ટ્રેક બનાવી ૪૫ મીટર પહોળાઇ (૧૪૭.૬૦ ફૂટ) પહોળાઇનો બનાવવા માટે મહાપાલિકા અને રૂડા દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. રોડ પહોળો કરવાની કામગીરીમાં નડતા ૩૦૦ વીજ પોલ પીજીવીસીએલએ શિફ્ટ કર્યા છે પરંતુ જેટકોએ તેની હાઇ ટેન્શન લાઇન દૂર નહીં કરતા તેટલા હિસ્સાનું કામ અટક્યું હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રિંગ રોડ-૨ ફોર ટ્રેકના જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના રસ્તા વચ્ચેથી ઘંટેશ્વર નજીકથી જેટકોની હાઇટેન્શન લાઇન પસાર થાય છે તેમજ સબ સ્ટેશન આવેલું છે. આ લાઇન અને સબ સ્ટેશન ફોર ટ્રેક રોડ પ્રોજેક્ટમાં રોડ પહોળો કરવામાં નડતર રૂપ બનતું હોય તે દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા માંગણી કરાઇ હતી. વારંવાર રજૂઆત છતાં હાઇ ટેન્શન લાઇન શિફ્ટ કરવા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. દરમિયાન જેટકોએ શિફ્ટીંગ ખર્ચ પેટે રૂ.૩૫ કરોડ માંગતા જેટલા વિસ્તારમાંથી જેટકોની લાઇન પસાર થાય છે તેટલા હિસ્સાના રોડનું કામ બાકી રાખીને આગળનું કામ શરૂ કરાયું છે. આ મામલે મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા સરકાર સુધી રજૂઆત કરાઇ છે પરંતુ આજ દિવસ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.


સૂત્રોએ ઉમેર્યું હતું કે રિંગ રોડ ફોર ટ્રેક પ્રોજેક્ટનું મહાપાલિકા હસ્તકનું કામ કુલ ચાર ફેઇઝમાં ચાલી રહ્યું છે, જ્યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તકના વિસ્તારમાં આ કામ રૂડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેટકોની ઉપરોક્ત હાઇ ટેન્શન લાઇનનું શિફ્ટિંગ જો સમયસર નહીં થાય તો પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે અને જેટકોની લાઇન પસાર થાય છે તેટલો હિસ્સો ફોર ટ્રેક બન્યા વિના જ રહી જશે !


મહાપાલિકાની તિજોરી તળિયા ઝાટક હોય તેમજ રિંગ રોડ-૨ ફોર ટ્રેક પ્રોજેક્ટ માટે અગાઉથી જ મોટી રકમ ફાળવી આપી હોય હવે વધારાના રૂ.૩૫ કરોડ ચૂકવવાનો ખર્ચ મહાપાલિકાને પરવડે તેમ નથી. આવા સંજોગોમાં સરકાર તરફથી ગ્રાન્ટ મળે તેવી અપેક્ષા પણ સેવાઇ રહી છે. મહાપાલિકાની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે આ પ્રશ્ન ઉકેલાશે તેવી સૌને આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application