BREAKING NEWS

ટીપી બ્રાન્ચ કે નોટિસ બ્રાન્ચ..? ગેરકાયદેસર બાંધકામોને ૩૦૩૩ નોટિસ,ડિમોલિશન ૩૮નું

  • November 21, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાની ટીપી બ્રાન્ચનું નામકરણ નોટિસ બ્રાન્ચ કરવા માટે ઠરાવ કરવાની જરૂર છે કારણ કે નોટિસ આપ્યા બાદ કોઈ કામગીરી થતી નથી તેવું અનેક વખત સામે આવી ચૂક્યું છે. દરમિયાન તાજેતરમાં જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્નકાળમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં એવી વિગતો સામે આવી હતી કે શહેરના ૧૮ વોર્ડમાં ગેરકાયદે બાંધકામોને કુલ ૩૦૩૩ નોટિસની બજવણી કરાઇ છે જેમાંથી ડિમોલિશન ફ્ક્ત ૩૮ ગેરકાયદે બાંધકામનું કર્યું છે.

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ મનપાના ટીપી વિભાગે ઝૂંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ વધારાના બાંધકામો કાયદેસર કરવા સરકારે ઇમ્પેકટ ફી કાયદો લાગુ કર્યો છતાં નિયમ વિરૂધ્ધ થયેલા અને કાયદામાં ન આવતા બાંધકામોનું ડિમોલીશન તંત્રએ હાથ ધરી નોટિસ આપવાનુ શરૂ કર્યુ હતુ. જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ત્રણેય ઝોનમાં 3033 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સૌથી વધુ વેસ્ટઝોન વિસ્તારમાં છ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનુ ખુલ્વા પામેલ છે.

મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે પ્રશ્ર્નોતરી દરમિયાન આપેલા જવાબ મારફતે માલુમ પડેલ કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ઇમ્પેકટ ફી સંદર્ભે કુલ 577 અરજીઓ આવેલ જેના આધારે ત્રણેય ઝોનમાં સ્થળ તપાસ કરતા અનેક ગેરકાયદેસર બાંધકામો બહાર આવ્યા હતા. જેના લીધે કલમ 260-1 હેઠળ 1565 આસામીઓને અને 260-2 હેઠળ 1468 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ સમયસર ગેરકાયદેસર બાંધકામોની વિગતો ન આપનાર 38 બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્યુ હતું. ઇમ્પેકટ ફીના નિયમો હેઠળ આવેલ અરજીઓ પૈકી અનેક બાંધકામો નિયમોનુ પાલન કરી શકે તેમ નથી. જેના લીધે ઇમ્પેકટ ફી હેઠળ ન આવતી તમામ મિલકતોના વધારાના બાંધકામ તોડી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 14810 અરજીઓ આવેલ જે પૈકી 4927 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.

શહેરમાં વેસ્ટઝોનમાં વિકસીત નવા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોમાં સતત વધારો જોવા મળ્યો છે. જયારે સેન્ટ્રલઝોનના જૂના રાજકોટના વિસ્તારોમાં બેફામ વધારાના બાંધકામો ધમધમી રહ્યા છે. છતાં સાકડી-શેરી ગલ્લીઓમાં થતાં ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ ટીપી વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ઇમ્પેકટ ફીમા ન આવતા તમામ બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં આ પ્રકારના એક પણ બાંધકામો વિરૂધ્ધ આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી અને ફકત 38 બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્યુ છે. ઇમ્પેકટ ફીની મુદતમાં સરકારે સતત વધારો કરેલ હોય આગામી દિવસોમાં વધુ અરજી આવવાની શકયતા જોવાઇ રહી છે.આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાઇ તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application