ગોગો પેપર અને ગોગો રોલના વેચાણને અટાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એલસીબી ઝોન-૨ ની ટીમે રામનાથપરામાં આવેલી પાનની દુકાનમાંથી ગોગો સ્ટીક નંગ ૩૪૪ કિં.રૂ.૫,૧૬૦ નો જથ્થો ઝડપી લીધો હતો.જયારે બી ડિવિઝનેે પેડક રોડ પર પાનના ગલ્લેથી ગોગો પેપર અને પટ્ટી સહિતનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે બંને વેપારી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
હાલમાં રાજ્યમાં સગીર અને યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવા રોલિંગ પેપર કોન, રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરિયાણાની દુકાનો તથા ચાની દુકાનો પરથી મળી રહેતા હોય જેના લીધે યુવાવર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થાય છે. આથી રોલિંગ પેપર, કોન, રોલ જેવી વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
દરમિયાન ડીસીપી ઝોન- 2 રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા ટીમ ગોગો પેપર, રોલના વેચાણને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રામનાથપરા મેઇન રોડ પર આવેલ ભાવના પાન નામની દુકાને ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે. જેથી આ બાતમીના આધારે એલસીબીની ટીમે અહીં ભાવના પાન નામની દુકાનમાં ચેક કરતા અહીંથી ગોગો સ્ટીક નંગ 344 કિંમત રૂપિયા 5,160 નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દુકાનદાર ભાવેશ કિશનચંદ નજકાણી (ઉ.વ. 51 રહે. જંકશન પ્લોટ પાસે સિંધી કોલોની, રેલવેના પાટા નજીક) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે બી ડિવિઝન પોલીસમાં મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચાવડા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પેડક રોડ પર પટેલ વાડી પાસે અનામ ઘુઘરાની બાજુમાં આવેલ સત્સંગ નામના પાનના ગલ્લે તપાસ કરતા અહીંથી પ્રતિબંધિત પરફેક્ટ રોલ નંગ 33 કિં. રૂ. 330 તથા પટ્ટી પેપર નંગ 31 કિં.રૂ. 310 નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દુકાનદાર કૃણાલ સુરેશભાઈ જવરાણી (ઉ.વ. 28 રહે. પંચવટી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301, ગાયકવાડી શેરી નંબર 2/11 નો ખૂણો, રેલ્વે જંકશન પાસે) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.