BREAKING NEWS

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતી હેમખેમ વતન ફર્યા, ઓસ્ટ્રેલિયા જવાની લાલચ ભારે પડી

  • October 28, 2025 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરના માણસા તાલુકામા બાપુપુરા ગામના ચાર લોકોને ઈરાનમાં બંધક બનાવ્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને ચારેયને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચારેય હેમખેમ પરત ફરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. આ ચારેયને ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તહેરાન શહેરમાં ચારેયને બંધક બનાવ્યા હતા.


બેને હોસ્પિટલે ખસેડાયા

વતન પરત ફર્યા બાદ બંધક બનાવવામાં આવેલા આ પરિવારને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લવાયા હતા. જો કે, ચાર પૈકી બે જ લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કાર્યાલય લવાયા હતા, જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતા.  


એજન્ટની વિગતો મેળવવા પોલીસ કામે લાગી 

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરાશે. પોલીસ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. જો યુવકો પોલીસ ફરિયાદ કરવા માંગતા હશે તો અપહરણ, ખંડણી અને છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાશે. હાલ આ ચારેયને ઓસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે.


અપહરણ અને શારીરિક ત્રાસનો વીડિયો વાયરલ થયો હતો

બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા.


ત્યારબાદ અપહરણકારોએ બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરાતી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ દ્વારા પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં યુવકો ‘હવે સહન થતું નથી’ કહીને કરગરતા જોવા મળ્યા હતા. અપહરણકારોએ શરૂઆતમાં રૂ. 2 કરોડની ખંડણીની માંગણી કરી હતી.


50 લાખ ચૂકવીને છૂટકારો

બાપુપુરાના સરપંચ પ્રકાશ ચૌધરીએ આપેલી માહિતી મુજબ, પરિવારોએ લાંબી વાટાઘાટો બાદ અંતે 50 લાખ રૂપિયાની રકમ ચૂકવીને પોતાના સ્વજનોનો છુટકારો કરાવ્યો હતો. 


ગૃહમંત્રીને મદદ માટે કરાઈ હતી અપીલ

આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી. સૂત્રોના મતે, આ કિસ્સો ફેક ટ્રાવેલ એજન્સીની છેતરપિંડીનું પરિણામ પણ હોઈ શકે છે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને ભારતીય દૂતાવાસ સતત ઈરાન સરકારના સંપર્કમાં રહીને મુક્તિની કાર્યવાહી કરાવી હતી. જોકે, કયા એજન્ટે તેમને ઑસ્ટ્રેલિયા મોકલ્યા હતા અને ઈરાન સુધી પહોંચાડ્યા હતા, તે અંગેની વિગતો હજુ મળી નથી. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application