જામનગર: બેડી વિસ્તારમાં થયેલ માથાકૂટમાં ચાર આરોપી ઝડપાયા
સીટી-બી પોલીસે ઘટનાનું રિક્નસ્ટ્રક્શન કરાવ્યું
જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલા પથ્થરમારા અને માથાકૂટના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિક્નસ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
જામનગર જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા અંગે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના અને પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સીટી બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા તથા કલ્પેશભાઈ અઘારાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેડેશ્વર પુલ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી બેડી આઝાદ ચોક, મુંબઈવાળા દવાખાના પાછળ રહેતા હુશેન હારુનભાઈ છેર, ઉંમર ૨૩, કાદર હનીફભાઈ છેર, ઉંમર ૩૩, નાસીર હનીફભાઈ છેર, ઉંમર ૨૨, તથા સુલતાન ગનીભાઈ છેર, ઉંમર ૪૧ સહિત ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ ચારેય આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૮(૧), ૧૧૫, ૩૨૪(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત આપ્યાનું પોલીસે જણાવ્યું હતું.
બનાવ બાદ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિક્નસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં કાયદાનો ભય રહે તે હેતુથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.