BREAKING NEWS

અમદાવાદમાં રિક્ષા-ટેક્સીચાલકોની 4 દિવસીય હડતાળનો પ્રારંભ: ઓનલાઇન બાઇક સેવાઓ બંધ કરવા અને રૂ.20 કિમી ભાડાની માંગ સાથે મિશ્ર પ્રતિસાદ

  • September 07, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં 7 સપ્ટેમ્બરથી રિક્ષા અને ટેક્સી ચાલકોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 4 દિવસીય હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આજથી શરૂ થયેલી આ હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. એક તરફ શહેરના મોટાભાગના દરેક મુખ્ય રૂટો પર શટલ રિક્ષાઓ ચાલુ જોવા મળી હતી, તો બીજી તરફ ઓનલાઇન એપ દ્વારા બુકિંગ મેળવીને વાહન ચલાવતા રિક્ષા અને ટેક્સીચાલકોએ કામગીરી સંપૂર્ણ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. હડતાળમાં જોડાયેલા ચાલકોએ શટલ રિક્ષામાં જતા પેસેન્જરોને જબરદસ્તી નીચે ઉતરાવીને હડતાળમાં સહકાર આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત, વિવિધ એપ્લિકેશનો દ્વારા બાઇક રાઇડ ચલાવતા ટુ-વ્હીલર ચાલકોને રોકીને તેમની રાઇડ્સ પણ કેન્સલ કરાવી હોવાના બનાવો સામે આવ્યા છે.

આ આંદોલનમાં જોડાયેલા ચાલકોની મુખ્ય માંગણી એ છે કે તેઓને ઓનલાઇન એપ્સ કે સામાન્ય બુકિંગમાં પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછું 20 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે. ચાલકોનો આક્ષેપ છે કે ખાનગી ઓનલાઇન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનો અને ગેરકાયદે ચાલી રહેલી બાઇક ટેક્સી સેવાઓને કારણે તેમની પરંપરાગત કમાણીમાં 50 ટકાથી વધુનો તોતિંગ ઘટાડો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે શાળા-કોલેજે જતા બાળકો માટેની સ્કૂલ રિક્ષા અને વાન સેવાઓને આ હડતાળમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી વાલીઓને મોટી રાહત મળી છે.

સ્થાનિક રિક્ષાચાલક વિશાલ દંતાણીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે આ હડતાળ મુખ્યત્વે ગેરકાયદેસર રીતે ચાલતી ઓનલાઇન બાઇક રાઇડ સેવાનો વિરોધ કરવા માટે કરી રહ્યા છીએ. જ્યાં સામાન્ય રિક્ષાનું ભાડું 50 રૂપિયા થતું હોય, ત્યાં આ બાઇક ચાલકો મુસાફરોને માત્ર 20 રૂપિયામાં લઇ જાય છે. આ અસમાન હરીફાઈના કારણે અમારે રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં કેટલાક રૂટો પર શટલ રિક્ષાઓ ચાલુ છે, પરંતુ અમે તેમને વિનંતી કરીને ઉભી રખાવી રહ્યા છીએ જેથી તમામ ચાલકો એકજુટ થઈને આ લડતમાં જોડાય. અમારી સરકાર અને સંબંધિત કંપનીઓ પાસે સ્પષ્ટ માંગ છે કે ઓનલાઇન બાઇક સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને રિક્ષા માટે લઘુત્તમ 20 રૂપિયા પ્રતિ કિલોમીટરનું ભાડું નક્કી થાય."

બીજા એક રિક્ષાચાલક મંસૂરી અબ્દુલ મુનાફ ઇકબાલે જણાવ્યું હતું કે, "હું ઇસ્કોન સ્ટેન્ડ પરથી ઓટો રિક્ષા ચલાવું છું. હાલમાં ઓનલાઇન એપ્સ દ્વારા અમને પ્રતિ કિલોમીટર માત્ર 11થી 13 રૂપિયા જ ચૂકવવામાં આવે છે, જે મોંઘવારીના જમાનામાં તદ્દન પોષાય તેમ નથી. જો આ ભાડું 20 રૂપિયા પ્રતિ કિલોમીટર કરી દેવાય તો અમને ઓનલાઇન કામ કરવામાં કશો વાંધો નથી. આ ઉપરાંત, વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અંગત વાહનો પર ગેરકાયદે બાઇક રાઇડ ચલાવવામાં આવે છે અને તેઓ આરટીઓમાંથી કોઈ ટેક્સી પાસિંગ પણ કરાવતા નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિને લીધે અમારી આવકમાં 50 ટકાનો ફટકો પડ્યો છે. એકતરફ સીએનજી ગેસના ભાવ સતત વધી રહ્યા છે અને બીજી તરફ સરકારના નિર્ધારિત મીટર મુજબ ભાડું મળતું નથી."

ટેક્સીચાલક મોહમ્મદ શોએબે કેબ કંપનીઓની નીતિઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "અમારી મુખ્ય લડત યોગ્ય ભાડા વધારા માટેની છે. ઉદાહરણ તરીકે, ગઈકાલે મારે 8 કિમી મુસાફરને પિકઅપ કરવા જવાનું હતું અને 9 કિમી ડ્રોપ કરવા જવાનું હતું. આમ કુલ 16થી 18 કિમીના પ્રવાસ માટે કંપની તરફથી માત્ર 241 રૂપિયા ભાડું મળ્યું હતું. તેમાંથી પણ 200 રૂપિયા તો કંપની પ્રથમ ટ્રીપના કમિશન તરીકે કાપી લે છે. આખો દિવસ મહેનત કર્યા પછી માંડ 200થી 500 રૂપિયાનો ધંધો થાય, તેમાંથી કમિશન આપ્યા બાદ ગેસનો ખર્ચ પણ નીકળતો નથી. આશ્ચર્યની વાત એ છે કે આજે હડતાળના દિવસે એ જ કંપની 16 કિમીના એરપોર્ટ ડ્રોપ માટે 952 રૂપિયા આપી રહી છે, જે ગઈકાલે માત્ર 350 રૂપિયા આપતી હતી. આમ કંપનીઓ પોતાની મરજી મુજબ ભાડાં વધારે-ઘટાડે છે. અમારી માંગ છે કે કાયમી ધોરણે એવું વ્યાજબી માળખું બને જેથી ડ્રાઇવર અને ગ્રાહક બંને સંતોષ અનુભવી શકે."

નોંધનીય છે કે અમદાવાદ શહેર, ગાંધીનગર અને સાણંદ સહિતના વિસ્તારોમાં 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી આશરે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓના પૈડાં થંભી જવાની શક્યતા છે. ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી ઓનલાઇન કેબ એગ્રીગેટર કંપનીઓ માર્કેટમાં અંદરોઅંદરની હરીફાઈમાં ખૂબ ઓછું ભાડું વસૂલે છે અને ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર માત્ર 8થી 10 રૂપિયા જ આપે છે. મોંઘવારી અને સીએનજીના વધતા ભાવ વચ્ચે યોગ્ય વળતર ન મળવાના આક્ષેપ સાથે યુનિયનોએ આ આંદોલન વધુ તેજ બનાવ્યું છે.

સતત ચાર દિવસ સુધી ચાલનારી આ હડતાળના કારણે અમદાવાદમાં મુસાફરોની મુશ્કેલીઓ વધી શકે છે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો, કોલેજના વિદ્યાર્થીઓ અને બહારગામથી આવતા યાત્રિકો કે જેઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અથવા એરપોર્ટ તરફ જઈ રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. રિક્ષા અને ટેક્સી યુનિયનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ચાર દિવસની હડતાળ બાદ પણ તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી બનાવવામાં આવશે અને ગાંધીનગર સ્થિત સરકારી કચેરીઓ તેમજ આરટીઓ (RTO) નો ઘેરાવ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application