રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભગદેવ અને સૌરાષ્ટ્ર ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જણાવી, એક જ માંગ સરકાર ડીઝલનો પૂરતો જથ્થો આપે
ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલની અછત નથી તેવો દાવો સરકાર કરી રહી છે પણ ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજકોટના ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સના ધંધામાં સીધી અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટમાં 40 ટકા ટ્રકોના વ્હિલ ડીઝલની અછતને કારણે થંભી ગયા છે તો ટ્રાવેલ્સના ધંધામાં પણ પરિસ્થિતિ કફોડી છે અને 50 ટકા બસો ડીઝલની અછતના કારણે બંધ છે.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસસોસિએશન પ્રમુખ હસમુખભાઈ ભગદેવે આજકાલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ 40 ટકા ધંધો ડાઉન છે. રાજકોટમાં નાના-મોટા થઈ 5000 ટ્રકો છે. પરંતુ તેમાંથી 40 ટકા ટ્રકો ડીઝલની અછતને કારણે બંધ છે. જે ચાલુ છે તેમાં પૂરતું ડીઝલ નથી. એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે સમય પણ ડબલ થવા લાગ્યો છે. દર 200 કિલોમીટરે ડીઝલ ખૂટી જાય છે કારણ કે પેટ્રોલ પંપવાળા 20થી 25 લિટર ડીઝલ પૂરી આપે છે. બે-ત્રણ કલાક લાઈનમાં ઉભા રહીએ ત્યારે ડીઝલ મળે છે. પહેલા 24 કલાકમાં પૂના ટ્રક પહોંચતો હતો તેના બદલે હવે 40 કલાક લાગે છે.

વધુમાં જણાવ્યું હતું કે, રસ્તામાં ક્યાંય ડીઝલ જ નથી. મહારાષ્ટ્ર, નાસિક, ઔરંગાબાદમાં ક્યાંય ડીઝલ નથી. કાચો માલ આવતો નથી એટલે ફેક્ટરીઓમાં પણ પ્રોડક્શન થતું નથી. આવી સ્થિતિ આઠ દિવસ ચાલે તો ઓટોમેટિક લોકડાઉન થઈ જશે. રાજકોટના કલેક્ટર કહે છે પૂરતો ડીઝલનો જથ્થો છે પણ એવું નથી. સરકારે આ અંગે વિચારવું પડશે. અમે કલેક્ટર પાસે બેઠક માટે સમય માંગ્યો છે અને તે બેઠકમાં અધિકારીઓ અને પુરવઠા અધિકારીઓને હાજર રાખો અને અમારી સાથે ચોખવટ કરો કે ડીઝલનો હકિકત શું છે. હજી પરિસ્થિતિ આના કરતા બગડવાની છે. કંઝ્યુમર પંપો છે તે બધા બંધ છે. કચ્છમાં તો બહુ જ ખરાબ સ્થિતિ છે. 100થી 125 પંપો છે તે બધા બંધ છે. ફેક્ટરીની અંદર ડીઝલ મંગાવે છે તે પંપો પણ બંધ છે. રાજકોટમાં ટ્રાન્સપોર્ટની 800થી વધુ ઓફિસો છે. જેમાં 10 હજાર લોકો કામ કરે છે. જો ધંધો બંધ થશે તો આ તમામના પરિવારની રોજીરોટી પડી ભાંગે તેમ છે. સરકાર ઉહાપોહ ડામવાનો પ્રયાસ કરી રહી છે. એક ટ્રક બંધ પડ્યો રહે એટલે રોજનું 1500 રૂપિયાનં નુકસાન આવે છે, સરકાર પાસે એક જ માંગ છે કે, લોકડાઉન વખતે રાહત આપી હતી તેવી રાહત આપવી જોઈએ.
સૌરાષ્ટ્ર ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનના મંત્રી દશરથસિંહ વાળાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ટ્રાવેલ્સનો ધંધો પડી ભાંગ્યો છે. કારણ કે ડીઝલ ન મળતા 50 ટકા બસો પર કાપ મૂકવામાં આવ્યો છે. પેટ્રોલ પંપવાળા 2000થી વધારે ડીઝલ આપતા નથી. 100 કિલોમીટર ચાલે ત્યારે ફરી ડીઝલ પૂરાવા લાઈનમાં ઉભું રહેવું પડે છે. અમે હાલ ત્રણ ગાડીનું ડીઝલ બે ગાડીમાં નાખી બસો ચલાવવીએ છીએ. રાજકોટમાં 50 ટકા ફ્રિકવન્સી બંધ કરી દીધી છે. રાજકોટમાં 500થી 700 બસ ચાલે છે. ફૂલ જાય તો જ બસ રવાના કરીએ છીએ બાકી કેન્સલ કરી દઈએ છે. અમારો ધંધો પડી ભાંગ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, ભાડું વધારીએ તો પેસેન્જરને પોસાતું નથી. કારણ કે એસટી બસોમાં ભાડું ઓછું હોય છે. અમારે ડીઝલ 98 રૂપિયામાં પડે છે જ્યારે એસટી બસને 90-92 રૂપિયા પડે છે. કારણ કે તેમને સરકાર સીધું ડીઝલ આપે છે. આ ઉપરાંત અમારે એક ગાડીએ 45 હજાર ટેક્સ મહિને ભરવો પડે છે. જ્યારે એસટી બસમાં કોઈ ટેક્સ લાગુ નથી. આ ઉપરાંત દર મહિને આરટીઓ દ્વારા બે-ત્રણ મેમો આવી જાય જેના 15થી 20 હજાર રૂપિયા ભરવાના થાય છે. અમારો ઉદ્યોગ હવે કહેવા પૂરતો રહ્યો છે. રાજકોટમાં ટ્રાવેલ્સની 150 જેવી ઓફિસો છે. જેમાં 2500થી 3000 જેટલા લોકો કામ કરે છે. જો ટ્રાવેલ્સનો ધંધો બંધ થશે તો આ તમામના પરિવારની રોજીરોટી પર પાટું પડી શકે છે.
રિક્ષાવાળા કરતા પણ ખરાબ હાલત છેઃ દશરથસિંહ વાળા
દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, સરકાર પ્રાઈવેટ ટ્રાવેલ્સ ઉદ્યોગને સપોર્ટ કરતી નથી. ચાર મહિનાથી ધંધો ચાલતો નથી. સરકારે બસના પાસિંગ બંધ કરી દીધા છે. બસની બોડીના જ 40 લાખ રૂપિયા થાય છે. એટલે 60થી 70 લાખમાં એક બસ પડે છે અને તેનું પાસિંગ સરકારે બંધ કરી દીધું છે. આથી બેથી ત્રણ લાખ લોકો નવરા થઈ ગયા છે. ટ્રાવેલ્સ ઉદ્યોગ હાલ 60થી 65 ટકા નુકસાનીમાં છે. સરકાર પાસે બે માંગ છે એક ટ્રાન્સપોર્ટ જીવન જરૂરિયાત વસ્તુ છે તેને ડીઝલ પૂરુ પાડો. ગુજરાતમાં લક્ઝરી બસને પ્રોત્સાહિત કરી ઉંચા ટેક્સ ઓછા કરો, આરટીઓની કનડગત બંધ કરી પાસિંગને મંજૂરી આપો. રિક્ષાવાળા કરતા પણ ખરાબ હાલત છે. મેં મારી આઠમાંથી પાંચ બસ વેચી નાખી, કારણ કે, ગુજરાત સરકાર મદદ કરતી નથી. પેસેન્જર પણ ઓછા થઈ ગયા છે.
રાજકોટમાં પેટ્રોલનો 46 અને ડીઝલનો 33 ટકા સ્ટોકઃ કલેક્ટર
રાજકોટ જિલ્લાના 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલનો 46 ટકા અને ડીઝલનો 33 ટકા જથ્થો હોવાનું કલેક્ટર ડો. ઓમ પ્રકાશ જાહેર કર્યું છે. દરમિયાન જિલ્લામાં ચાર જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા તેમજ ધોરાજીમાં ખેડૂતો માટેનું ડીઝલ ખૂટી પડ્યું હોવા મુદ્દે ઝડપથી પુરવઠો મળે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઇંધણ બચતના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે આજે રિટર્નિંગ ઓફિસરોની બેઠક ઓનલાઇન મળી હતી અને આગામી સમયમાં કલેકટર કચેરીના તમામ વિભાગોની બેઠક ઓનલાઇન મળશે તેવું જાહેર કરાયું છે

ખેડૂતોએ ટ્રેક્ટરો આડા મુકી રાજુલા-સાંવરકુંડલા રોડ ચક્કાજામ કર્યો
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ પૂરતો જથ્થો ન મળતાં આખરે ખેડૂતોનો સંયમ ખૂટ્યો હતો અને રાજુલા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટરો આડા મુકીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ડીઝલ પૂરાવવા એક કિમી લાંબી ટ્રેક્ટરોની લાઈન, ખેતીકામ ઠપ્પ
છેલ્લા પાંચ દિવસથી રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો ડીઝલ માટે દર-દર ભટકી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારના ચાર વાગ્યાથી જ ટ્રેક્ટરોની એક-એક કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને 15 જૂનથી ચોમાસાનું વિધિવત્ આગમન થવાનું છે, ત્યારે ખેતરોમાં રોટાવેટર ચલાવવા અને પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માટે ડીઝલ અત્યંત જરૂરી છે. પરંતુ ડીઝલ પૂરાવવામાં જ ખેડૂતોનો મોટાભાગનો સમય જતો રહે છે