ચોમાસામાં પાછોતરા વરસાદ અને ત્યારબાદ માવઠાને કારણે કપાસમાં ભેજ બેસી જતાં ગુણવત્તા નબળી પડી છે જેના લીધે વ્હાઇટ ગોલ્ડ કહેવાતા કપાસના ભાવ આ વર્ષે જોઇએ તેવા ઉપજતા નથી, કપાસમાં ટેકાનો ભાવ રૂ.૧૬૧૧ જાહેર કરાયો છે, જેની સામે ખુલા બજારમાં ૧૩૦૦થી ૧૫૦૦ જેવો ભાવ ઉપજી રહ્યો છે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તે પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં મબલખ કપાસ ઠલવાઇ રહ્યો છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ૪૦ હજાર મણ કપાસની સર્વાધિક આવક નોંધાઇ હતી અને હરરાજીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર ૧૩૦૦થી ૧૫૨૫ સુધી નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વધુ વરસાદ અને ત્યારબાદ ભરશિયાળે માવઠા ઉપરાંત અમેરિકન કપાસ ઉપરની આયાત ડ્યુટી શૂન્ય કરવાને કારણે ભારતીય કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવી પડી છે, મહત્વપૂર્ણ છે કે દેશમાં કપાસના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર મોખરે છે.