રાજકોટ શહેરમાં ફરી એકવાર હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેરના ભોમેશ્વર ફાટક પાસે આવેલ બાબજી એવ્ન્યુ વિસ્તારમાં 40 વર્ષીય અબ્બાસભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અબ્બાસભાઈ આ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતદેહની બાજુમાંથી એક છરી મળી
પ્રાથમિક માહિતી અનુસાર, આજે સવારે ફ્લેટમાંથી અબ્બાસભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહની બાજુમાંથી એક છરી મળી આવતા હત્યા છરીના ઘા વડે કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ
પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ ફ્લેટના પાડોશીઓ અને ઓળખીતાઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ હત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, જેના કારણે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વહેલી તકે હત્યાનો ભેદ ઉકેલવામાં આવશે. આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.