રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજરોજ મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિકાસકામો, ટેન્ડર તેમજ વહીવટી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સિંચાઈ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના કુલ ૪૩ કામો માટે રૂ.૩૯.૬૩ કરોડના ટેન્ડર, વહીવટી તથા ખર્ચ મંજૂર કરાયો છે.આજરોજ, કારોબારી સમિતિના અધ્યક્ષ નરસી સોજિત્રાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સિંચાઈ શાખા હેઠળ કુલ ૧૪ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કુલ પાંચ કામોના ટેન્ડર માટે રૂ.૨.૧૪ કરોડ તેમજ નવ કામોની વહીવટી મંજૂરી માટે રૂ.૯.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ સિંચાઈ શાખાના ૧૪ કામો માટે કુલ રૂ.૧૧.૫૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં વિંછીયા, ધોરાજી, કોટડાસાંગાણી, જામકંડોરણા, ઉપલેટા અને જસદણ તાલુકા સહિતના વિસ્તારોમાં સિંચાઈના માળખાના રિપેરિંગ, રિનોવેશન, ચેકડેમ, પેરકોલેશન ટેન્ક અને કેનાલ સિસ્ટમના કામોનો સમાવેશ થાય છે. બાંધકામ શાખા હેઠળ કુલ ૨૭ કામોના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ કામો માટે કુલ રૂ.૨૮.૦૧ કરોડની મંજૂરી અપાઈ છે. તેમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં આંગણવાડી બિલ્ડિંગના બાંધકામ ઉપરાંત ૨૫ નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગ અને ૧૩ રસ્તાઓના કામોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે આ મંજૂરી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.આ ઉપરાંત મહેકમ શાખા માટે નવા ત્રણ કમ્પ્યુટર સેટ ખરીદવા રૂ.૩.૫૦ લાખ સુધીના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વહીવટ શાખા માટે નવા બે કમ્પ્યુટર સેટ તથા પ્રિન્ટર ખરીદવા રૂ.૩ લાખ સુધીના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આમ, સિંચાઈ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના કુલ ૪૩ કામો માટે રૂ.૩૯,૬૩,૫૨,૪૯૨ની મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં અગાઉની કારોબારી સમિતિની બેઠકોની કાર્યવાહી તથા અમલવારી નોંધને બહાલ રાખવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી સમિતિના સભ્યો તથા જિલ્લા પંચાયતના વિવિધ શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંજૂર થયેલા કામો આગામી તબક્કામાં ટેન્ડર અને અમલીકરણની પ્રક્રિયા દ્વારા આગળ ધપાવવામાં આવશે.