#aajkaal team
રાજકોટ : ઉતરાયણનો પર્વ લોહિયાળ બની ગયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય બાદ હવે રાજકોટ શહેરમાં પણ હત્યાનો બનાવ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરના સહકાર નગર વિસ્તારમાં 45 વર્ષીય સાવન ગોસ્વામી નામના યુવકની તીક્ષણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉતરાયણના દિવસે સહકાર નગર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ સાવન ગોસ્વામી પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સાવનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે અને સંદિગ્ધોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે, જો કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉતરાયણ જેવા આનંદના પર્વ દરમિયાન થયેલી આ ઘટનાથી શહેરમાં શોક અને ભયનું વાતાવરણ સર્જાયું છે.