જામનગર શહેર-જીલ્લામાં મહિલાઓ સહિત ૪૬ જુગારીની અટકાયત
નાધુનામાં રેન્જની ટીમ ત્રાટકી : કાલાવડ, ક્રિષ્નાપાર્ક, શેખપાટ, જામજોધપુર, નાગમતી આવાસ પાસે પોલીસના દરોડા
જામનગર શહેર જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોજ માણતા મહિલાઓ સહિત ૪૬ પત્તાપ્રેમીઓને પકડી લેવામાં આવ્યા છે, કુલ ૬ સ્થળે પોલીસ ત્રાટકી હતી જેમાં જામનગરના નાધુના વિસ્તારમાં રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડીને ૬ શખ્સોને ૧.૯૧ લાખની રોકડ સહિત ૪.૬૧ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે જામનગરના નાગમતી આવાસથી આગળ શીતલવન સોસાયટી શેરી નં. ૩માં જાહેર રોડ પર ગંજીપતા વડે જુગાર રમતી ૧૦ મહિલાઓને રોકડ ૧૩ હજાર સાથે અટકમાં લીધી હતી જયારે કાલાવડના કાશ્મીરપરામાં તિનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત ૭ની અટક કરવામાં આવી હતી. ઉપરાંત શેખપાટ, જામજોધપુર, ક્રિષ્નાપાર્કમાં પોલીસ પ્રગટી હતી.
નાધુના ગામ પુલ નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા નાધુનાના હસમુખ હેમત અકબરી, જયોતીપાર્કના ગૌતમ મનસુખ વેકરીયા, ઠેબાના ભાવેશ ચના પ્રાગડા, પુષ્કરધામના જલક નંદલાલ મોરડ, રઘુવીરપાર્કના જસ્મીન અમૃત સોરઠીયા, નાધુનાના રાજેશ અરજણ અકબરી અને અશોક વાટીકા ખાતે રહેતા ચિરાગ કેશુ વાડોદરીયા નામના ઇસમોને રોકડા ૧.૯૧ લાખ, ૪ મોટરસાયકલ, ૭ મોબાઇલ મળી કુલ ૪.૬૧ લાખના મુદામાલ સાથે રાજકોટ રેન્જની ટીમ દ્વારા દરોડો પાડીને દબોચી લેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
બીજા દરોડામાં શહેરના નાગમતી આવાસથી આગળ શીતલવન સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સત્યસાંઇનગરના રેખાબેન રમેશ વારા, ગીરીરાજ પાર્કના ક્રિષ્નાબેન જયેશ જરમરીયા, ખડખડનગરના મિતલબેન વિજય ગુજરાતી, લાલવાડીના સપનાબેન જયેશ બાલા, શીતલધામ સોસાયટીના મંજુલાબેન જીતેન્દ્ર વાઘેલા, રાજપાર્કના કાજલબેન કૌશીક ગોહીલ, જાનકીબેન નંદલાલ આહુજા, સરોજબેન ખોડીલાલ પરમાર, શીતલવનના કિરણબેન ગંગારામ સોઢા અને ગીરીરાજ સોસાયટીના સંતોકબેન સંજય જરમરીયાની અટક કરી ૧૩૧૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
ત્રીજા દરોડામાં કાલાવડના કાશ્મીરપરા શેરીમાં તિનપતીનો જુગાર રમતા કાશ્મીરપરાના મીરાબેન દિનેશ પરમાર, ભારતીબેન રાજેશ વાસફોડીયા, રાજેશ પરસોતમ વાસફોડીયા, મંજુબેન ભીખા પરમાર, પુષ્પાબેન ચતુર પરમાર, રેશમાબેન મુકેશ પરમાર અને વૈશાલી (કિન્નર) દિનેશ પરમારની અટક કરી રોકડા ૧૩૫૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
ચોથા દરોડામાં જામનગરના માટેલ ચોક પાસે, ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩ નજીક જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રામેશ્ર્વરનગરના હીના ઉર્ફે હિરલબેન નટુભાઇ ચાવડા, મનહરબા નવલસિંહ પરમાર, શરૂ સેકશન આવાસના અસ્મીતાબેન દિલીપસિંહ જાડેજા, નિર્મળાબા દિલીપસિંહ જાડેજા, દરેડના રંજુબેન (કિન્નર) હાજી ખફી, ક્રિષ્નાપાર્કના ધનરાજસિંહ નવલસિંહ પરમાર, દિ.પ્લોટ ૪૫ના સાવન શૈલેષ બાવરીયા, તોપખાના રાજકોટના રોહીત કીરીટ સોઢા, વલ્લભનગરના રવિ વસંત રાઠોડ, શંકરટેકરીના મનોજ કિશન પુરબીયા, દરેડ દ્વારકેશ સોસાયટીના વિજય નિતીન સોમાણીને રોકડા ૧૨ હજાર અને ગંજીપતા સાથે અટકાયત કરી હતી. જયારે નંદનપાર્કમાં રહેતો પૃથ્વીરાજસિંહ વાઢેર ફરાર થઇ ગયો હતો.
અન્ય દરોડામાં જામનગર નજીક શેખપાટ ગામના નવાપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા નવાપરાના સંજય બાબુ ડાભી, અરવિંદ વાલજી ધારેવાડીયા, ગોવિંદ મનસુખ ધારેવાડીયા, રાજા પેમા ધારેવાડીયા, શેખપાટના હનુમાન સોસાયટીમાં રહેતા ખોડા મેરૂ ધારેવાડીયાને પંચ-એ પોલીસે પકડી રોકડા ૩૭૩૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામજોધપુરના પટેલ સમાજ પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા માકડીયાવાળી શેરીમાં રહેતા દિનેશ ભગવાનજી સુરેજા, અશ્ર્વીન ડાયા કાંજીયા, તિરુપતી સોસાયટીના સુભાષ પરબત જાવીયા, ભગવતીપરાના નિતીન મોહન વાછાણી, વસંતપુર ગામના નિતીન ગોરધન કનેરીયા, માકડીયાવાળીના પ્રકાશ મનસુખ પરસાણીયાની અટક કરી રોકડા ૧૩૩૦૦ અને ગંજપતો સ્થાનીક પોલીસે કબ્જે કર્યો હતો.