BREAKING NEWS

મેટોડામાં કારખનામાંથી ૪૮૬ કિલો પિતળના માલની ચોરી: પૂર્વ કર્મી સહિત પાંચ ઝડપાયા

  • October 17, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મેટોડા જીઆઇડીસીમાં આવેલા કારખાનામાંથી તેના જ પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખસોએ અહીં કંપનીની જ બોલેરો ગાડીમાં કારખાનામાંથી પિત્તળનું રો મટીરીયલ્સ 486 કિલો કિં.રૂ. 2.91 લાખની ચોરી કરી હતી. જે અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરી પ્રકરણમાં કારખાનાના પૂર્વ કર્મચારી સહિત ત્રણે શખસોને ઝડપી લઇ રૂ. 2.91 લાખનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં ચોરીનો માલ રાખનાર બે ભંગારના ધંધાર્થીઓના નામ પણ ખુલ્યા હોય જેથી પોલીસે આ બંને ભંગારના ધંધાર્થીઓ સામે પણ ગુનો નોંધી તેમને પણ ઝડપી લીધા હતા.



ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસીમાં આવેલી ઓમનીટેક ઓટોમોબાઇલ્સ નામના કારખાનામાં તા. 11/10/2025 ના રાત્રીના પિત્તળના રો મટીરીયલ્સ 486 કિલોની ચોરી થઈ હતી. જેથી કંપનીના જવાબદાર કર્મચારીઓ અહીંના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કંપનીનો જ પૂર્વ કર્મચારી સાગર રામાવત તેના સાથીદારો સાથે અહીં આવી ચોરી કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી આ મામલે કંપનીના ભરતભાઈ કિશોરભાઈ ચૌહાણ (રહે. રાજકોટ) દ્વારા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સાગર રામાવત અને તેની સાથેના બે અજાણ્યા શખસો વિરુદ્ધ કંપનીમાંથી 486 કિલો રો- મટીરીયલ્સ કિં. રૂ.2,91,600 કંપનીના બોલેરો વાહનમાં ભરી ચોરી કર્યા આ અંગે ફરિયાદ નોંધાવી હતી.



રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ તાત્કાલિક ઉકેલી આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હોય તેના અનુસંધાને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્માની રાહબરીમાં અલગ-અલગ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ચોરીમાં પોલીસે ત્રણેય આરોપીઓ સાગર ગોપાલભાઈ રામાવત (ઉ.વ 25 રહે. અંજલિ પાર્ક વિરાટ એપાર્ટમેન્ટ, બિલ્ડીંગ નંબર-૧, મેટોડા જીઆઇડીસી, મૂળ નાના અસોટા તા.જામખંભાળિયા), ભીમા રામાભાઈ સાનિયા (ઉ.વ 36 રહે. મચ્છુનગર, મેટોડા) અને અશ્વિન સુરેશભાઈ સાપોલિયા (ઉ.વ 22 રહે. ચંદ્ર પાર્ક સોસાયટી, મેટોડા જીઆઇડીસી, મૂળ જૂની મોરવાડ તા.ચુડા) ને ઝડપી લીધા હતા.


પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા તેમણે કારખાનામાંથી ચોરી કરેલો આ માલ બે ભંગારના ધંધાર્થીઓને વેચી દીધો હોવાની કબુલાત આપી હતી. જેના નામ ભરત નાનજીભાઈ મકવાણા (ઉ.વ 29 રહે. કણકોટ પાટીયા પાસે હાઉસિંગ બોર્ડ કવાર્ટર નંબર 424 મૂળ મોરથરા તા.થાન) વિકલ ઈસરાઈલ મનીહાર (ઉ.વ 38 રહે.વાવડી મેઇન રોડ રાજકોટ, મૂળ યુપી) હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે આ બંને ભંગારના ધંધાર્થીઓને પણ ઝડપી લઇ ચોરી થયેલ 486 કિલો પિત્તળનું રો મટીરીયલ્સ કિં. રૂ. .2,91,600 કબજે કર્યું હતું.


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી સાગર અગાઉ અહીં કારખાનામાં જ ડ્રાઇવિંગ કામ કરતો હોય જેથી અહીં માલ ક્યાં પડ્યો હોય તેનો ખ્યાલ હોવાથી તેણે પોતાના બંને મિત્રો ને વાત કરી હતી અને ત્રણેયએ કડકી દૂર કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જોકે પોલીસે ત્રણેયને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ કામગીરીમાં મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં એએસઆઇ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ, કોન્સ્ટેબલ રાજદિપસિંહ, રવુભાઈ, શક્તિસિંહ અને સુભાષભાઈ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application