BREAKING NEWS

વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીને 31મીએ સજા સંભળાવાશે

  • August 25, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા શહેરને હચમચાવી મુકનારા ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટ દ્વારા પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે સજાની મુદત પર અદાલતમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સરકારી પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે અને જો ફાંસીની સજા યોગ્ય ન લાગે તો આરોપીઓ પોતાના જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે મુજબની આજીવન કેદની સજા ફટકારવામાં આવે. અદાલતમાં સજા પરની દલીલો પૂર્ણ થયા બાદ પોક્સો કોર્ટે આરોપીઓની સજાની જાહેરાત માટે 31મી ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. આજે સજાની સુનાવણી દરમિયાન સુરક્ષાના કારણોસર તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા.

આ કેસની વિગત મુજબ, વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતાની રાત્રે એક સગીરા તેના મિત્ર સાથે ગરબા રમીને ભાયલી વિસ્તારમાં બેઠી હતી. તે સમયે પાંચ શખસો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે સગીરાના મિત્રને બંધક બનાવી તેની હાજરીમાં જ સગીરા સાથે અડપલાં કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી હતી. આશરે 22 મહિના સુધી ચાલેલી લાંબી કાનૂની કાર્યવાહી બાદ વડોદરાની પોક્સો અદાલતે ગત 20મી ઓગસ્ટે તમામ પાંચેય આરોપીઓને આ ગુનામાં કસૂરવાર ઠેરવ્યા હતા.

અદાલતમાં રજૂઆત કરતા ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ અત્યંત જઘન્ય ગુનામાં આરોપીઓને કાયદાકીય જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થાય તે માટે સરકાર પક્ષે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. કાયદાની કલમો હેઠળ આ ગુના માટે જે મહત્તમ સજા નિયત કરવામાં આવી છે, તે મુજબ આરોપીઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ રહે તેવી માગણી કરવામાં આવી છે. આ કેસ એવા પ્રકારનો છે જ્યાં સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને ફાંસી અથવા તો આજીવન કેદની આકરી સજા થવી અનિવાર્ય છે.

અન્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં પ્રોસિક્યુશન અને પોલીસ ટીમ દ્વારા સાંયોગિક પુરાવાઓની એકેએક કડીને અદાલત સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. ઘટનાની શરૂઆતમાં પાંચમાંથી બે આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી અને ત્યારબાદ બાકીના ત્રણ આરોપીઓએ વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તમામ તબીબી તેમજ ફોરેન્સિક પુરાવાઓ એકઠા કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જેને અદાલતે પૂર્ણ રીતે ગ્રાહ્ય રાખ્યા છે.

આ ઉપરાંત, બનાવ સમયે આરોપીઓએ ભોગ બનનાર સગીરાનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓની મદદથી આ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેમની જુબાની પણ કેસમાં મહત્વની સાબિત થઈ હતી. કોર્ટે લૂંટના દાવા સહિત તમામ સંજોગો અને પુરાવાઓને અત્યંત સંતોષજનક ગણીને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. હવે સમગ્ર રાજ્યની નજર 31મી ઓગસ્ટે આવનારા સજાના આખરી ચુકાદા પર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application