BREAKING NEWS

રાજકોટની ૧૪ GIDCમાં ૫૫,૦૦૦ એકમો કાર્યરત

  • January 08, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ એ માત્ર રંગીલું, મોજીલું શહેર નથી, પરંતુ રાજકોટે અનેક સફળ ઉદ્યોગકારો પણ આપ્યા છે. ઉદ્યોગ સાહસિકતા, ટેક્નોલોજી, ઇનોવેશન અને ઔદ્યોગિક નીતિના પરિણામે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ સહિતના અનેક દેશમાં મેઈડ ઈન રાજકોટ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ થાય છે.

રાજકોટ એટલે ઓટો અને મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ. જેમાં હાલ ૫૫ હજારથી વધુ માઈકો. સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. રાજકોટની પહેલી જી.આઈ.ડી.સી. વર્ષ- ૧૯૬૧માં ભક્તિનગર સ્ટેશન વિસ્તારમાં સ્થપાયેલી, ઔદ્યોગિક ક્ષેત્રે વ્યાપ વધતા સમયાંતરે આજી ઇન્ડસ્ટ્રીઝ, શાપર વેરાવળ, મેટોડા, લોધીકા, બામણબોર, ખીરસરા સહીત રાજકોટના નજીકના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉમેરાતા ગયા.

રાજકોટની ઓટો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ક્ષમતા સાબિત કરી ચુકી છે. રાજકોટમાં બનતા પાર્ટસ અમેરિકન ટેસ્લા, જર્મન મર્સીડીઝ, જાપાની સુઝુકી મોટર્સ સહીત ઇસ્ટ એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા, મિડલ ઇસ્ટ, બાંગ્લાદેશ સહિતના દેશમાં પ્રભુત્વ જમાવ્યું છે.

ભારતના સૌથી મોટા એવા રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ આ સફળતા માટે ઉદ્યોગ સાહસિકોની ૬૫ વર્ષની મહેનત સાથોસાથ ભારત સરકારનો પ્રોએક્ટીવ અભિગમ, ઔદ્યોગિક નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ગુજરાત થી વિકસિત ભારતનો અભિગમ કારણભૂત હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા બે દાયકાથી રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે. આ ગ્રોથ અંગે તેમને જણાવ્યું હતું કે, હવેના ઉદ્યોગકારોએ આધુનિક ટેકનોલોજીના સહારે લાંબી હરણફાળ ભરી છે. ક્વોલિટી, ઈન ટાઈમ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલોપમેન્ટ થકી વિશ્વની કંપનીઓનો ભરોસો ઓટો ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો છે. ડીઝલ એન્જિનથી શરૂ થયેલ ઔદ્યોગિક સેક્ટર હવે ગ્લોબલ પ્રભુત્વ ધરાવે છે. તેઓએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે રાજકોટના ૫૦ ટકા જેટલા એકમો એક્સપોર્ટ કરી રહ્યા છે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ રાજકોટ ખાતે યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવાયું હતું કે, રીજનલ કોન્ફરન્સ ફોર્મેટથી સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે. રાજકોટનો ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ, જામનગરનો બ્રાસ પાર્ટ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જુનાગઢનો માઇન્સ ઉદ્યોગ, કચ્છના સ્થાનિક હસ્તકલા ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગને વિશેષ એક્સપોઝર મળશે રીજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઈ રહી છે, ત્યારે ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ ઉદ્યોગ હબ રાજકોટ બિઝનેસની તક ઝડપી લેવા આતુર છે.

સરકારની દરેક તાલુકા કક્ષાએ એક જી.આઈ.ડી.સી. ક્લસ્ટરની વિભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં વ્યાપાર-ઉદ્યોગનું ફલક વધતા રાજકોટ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, કુવાડવા, કોટડા કોટડા સાંગાણી, પડધરી, લોધિકા સહિતના તાલુકામાં પણ કુલ ૧૪ જી.આઈ.ડી.સી. કાર્યરત છે.

રાજકોટ શહેર, જિલ્લામાં ઓટો, મશીન ટૂલ્સ ઉપરાંત કિચનવેર, પ્લાસ્ટિક, કેમિકલ, ફાર્મા, ટોયઝ મળીને વિવિધ સેક્ટરમાં ૯૯,૬૫૪ મેન્યુફેક્ચરિંગ, ૬૮,૦૮૦ સર્વિસ સેક્ટર તેમજ ૬૮,૪૦૩ ટ્રેડિંગ વ્યવસાયિક એકમો કાર્યરત હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મિતેષભાઇ લાડાણીએ જણાવ્યું છે. જેમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ૫.૫૫ લાખ લોકોને રોજગારી મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application