BREAKING NEWS

ગોંડલમાં મામાના આડા સંબંધમાં છરી-પથ્થરના ઘા ઝીંકી ભાણેજની હત્યામાં 6 ઝડપાયા

  • December 19, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ પંથકમાં ભરૂડી જીઆઈડીસી નજીક બિહારીની હત્યા કરાયેલી હાલતમાં યુવકની મળેલી લાશ સંદર્ભે ચોકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં મામાના પ્રેમ પ્રકરણમાં છ શખ્સો આણી ટોળકીએ છરી અને પથ્થરના ઘા ઝીંકી નિર્દોષ ભાણેજને રહેસીનું સામે આવતા ગોંડલ તાલુકા પોલીસે હત્યારા છ આરોપીઓની હત્યારા છ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના બાંકા જિલ્લાના વતની અને હાલ કોટડાસાંગાણી તાલુકાના પડવલા મુકામે અલમાઇટ્સ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રહી મજૂરી કરતા 22 વર્ષીય યુવાન લાલુકુમાર તપેસર રાઉત્ત (રાય)એ આરોપી તરીકે બિહારના બાંકા જિલ્લાના જ વતની રાકેશ સુભાષ મંડલ, છોટેલાલ સુભાષ દરવે, નવીનકુમાર મંડલ, છોટુકુમાર નરેશ મંડલ, ગણેશ ઉર્ફે ડમરૂ અને નીરજકુમાર રાઉતનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કલમો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.



ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ સવારમાં હું તથા મારો ભાણેજ ચંદનકુમાર એમ બન્ને અમારા રૂમે આરામ કરતા હતા. બપોર પછી હું તથા ચંદનકુમાર તથા ગુલ્સનકુમાર એમ ત્રણેય લોઠડા ગામે ખરીદી કરવા ગયેલ અને સાંજના સાતેક વાગ્યે પરત અમારા રૂમે આવતા રહેલ હતા. થોડીવારમાં અમારી બાજુમા આવેલ કંપની વરૂણ કાસ્ટીંગમા કામ કરતા મારા મીત્ર રાકેશકુમારએ મને ફોન કરી વાત કરેલ કે મારા મીત્રને ત્યા પ્રોગ્રામમાં જવાનુ છે.



જેથી મે કહેલ કે કયા જવાનુ છે? જેથી રાકેશકુમારે કહેલ કે ટોલનાકા પાસે મારો મિત્ર કંપનીમાં કામ કરે છે, ત્યા જવાનુ છે, તેમ કહી મને કહેલ કે તુ તથા ચંદનકુમાર તથા વીવેકકુમાર ત્રણેય આવો. જેથી મે કહેલ કે, પ્રોગ્રામ અહીયા જ કરીએ, અમારે નાઇટ ડ્યુટીમાં જવાનુ છે, જેથી ત્યા દુર જવુ નથી. જેથી રાકેશકુમારએ કહેલ કે, મીત્રને ત્યા જ જવાનુ છે તેમ કહી રાકેશકુમાર મને તથા વિવેકકુમાર અને ચંદનકુમારને અમારા રૂમ ઉપર તેડવા આવેલ હતો.



જેથી હું તથા રાકેશકુમાર, ચંદનકુમાર, વીવેકકુમાર એમ ચારેય એક મોટર સાયકલમાં ટોલનાકા બાજુ જવા નીકળેલ હતા. આ વખતે રાકેશકુમાર મોટર સાયકલ ચલાવતો હતો, શાપર ખાતે પહોંચતા રાકેશકુમારે પોતાના કોઇ મિત્ર કુંદનને ફોન કરીને કહેલ કે, પ્રોગ્રામમાં જવાનુ છે જેથી વસ્તુ લઇને આવી જા. બાદ રાકેશકુમાર અમને બધાને ગામડા વિસ્તારમાં થઈ ટોલનાકાની આગળ હાઇવે રોડની બાજુમા રોડ પર લઇ જઈ મોટર સાયકલ ઉભું રાખે હતું.



તેવામાં રાકેશકુમારનો મીત્ર કુંદન આવેલ અને ચંદનકુમાર તેમજ વિવેકકુમારને મોટરસાયકલથી થોડે દૂર ખરાબાની જગ્યામાં બેસાડી પોતે રાકેશ અને કુંદન પ્રોગ્રામ અર્થે વસ્તુ લેવા ગયેલ હતા. જયારે હું હું મોટર સાયકલ પાસે ઉભો હતો. થોડીવારમાં રાકેશકુમાર તથા કુંદન બન્ને નાસ્તો લઇ આવેલ અને અમો બધા નાસ્તો કરતા હતા. દરમિયાન રાકેશકુમારના ભાઈ છોટેલાલ શુભાષ દરવે રહે.રતનપુર બીહાર, નવીનકુમાર મંડલ રહે.ચેનશડ બીહાર, છોટુકુમાર નરેશભાઈ મંડલ રહે.ચેનશડ બીહાર, ગનેશકુમાર ઉર્ફે ડમરૂ રહે ડુંદરીદીહ, બીહાર, અને નિરજકુમાર રાઉત રહે.ખડહરા બીહાર આવી ગયેલ હતા.


જે બધા રાકેશકુમારના મીત્રો હતા. આ લોકો આવ્યા પછી રાકેશકુમાર એ કહેલ કે મારા ભાઈ નવીનની પત્ની પ્રીતી સાથે કેમ સંબંધ રાખેશ, હજુ તુ એને કેમ મેસેજ કરશ? લાવ તારો મોબાઇલ જોવા દે તેમ કહી મારી પાસે મારો મોબાઇલ માંગવા લાગેલ હતો પરંતુ મે મારો મોબાઇલ નહિ આપતાં બોલાચાલી થવા લાગેલ હતી.


બાદ આ લોકો મારી સાથે માથાકુટ કરવા લાગતા મે કહેલ કે, મે એકાદ વર્ષથી પ્રિતી સાથે કોઈ વાતચીત કરેલ નથી. જે બાદ સામાવાળા મને માર મારવા લાગેલ હતા. દરમિયાન મારો ભાણેજ ચંદનકુમાર તથા વિવેકકુમાર વચ્ચે પડેલ હતા અને હું તથા કુંદન ત્યાથી દુર જતા રહેલ હતા. જયારે રાકેશકુમાર તથા તેના મિત્રો ચંદનકુમાર સાથે મારામારી કરતા હતા. સામાવાળાએ માર મારતા વિવેકકુમાર દોડીને ત્યાથી આવતો રહેલ હતો. માથાકુટ થતી હોય જેથી કુંદન બીજા માણસોને બોલાવવાનુ કહી ત્યાંથી જતો રહેલ હતો.


મોડી રાત્રી થઇ ગયેલ હોય જેથી રાહદારી કોઇ રસ્તે નિકળતુ ન હોય અને આ લોકો વધારે હોય જેથી હુ મારા ભાણેજને મારતા હતા ત્યા બીક લાગતા ગયેલ ન હતો. બાદ રાકેશકુમારે મારા ભાણેજ ચંદનકુમારનું પાછળથી ગળુ પકડી લીધેલ અને તેના મિત્રો મારામારી કરતા હતા. ત્યારપછી રાકેશભાઈના મિત્રોએ ચંદનકુમારને પકડી રાખી જયારે રાકેશકુમારે છરી વડે, છોટાલાલ પથ્થર વડે ભાણેજ પર તૂટી પડ્યો હતો. ચંદનકુમાર લોહીલુહાણ હાલતમાં મળી આવેલ અને માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયેલ હતા. જેથી તેને 108 એમ્બયુલન્સમાં બેસાડી ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જયા ફરજ પરના તબીબે મારા ભાણેજને મૃત જાહેર કરી દીધો હતો.

આ અંગે ગોંડલ તાલુકા પીઆઈ વી એમ ડોડીયા અને રાઇટર મુકેશભાઈ મકવાણા સહીતની ટીમોએ ગણતરીની કલાકોમાં જ તમામ હત્યારાઓને દબોચી લીધા હતા. પોલીસે હાલ તમામ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application