BREAKING NEWS

જામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૬ શખ્સ ઝડપાયા

  • June 17, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૬ શખ્સ ઝડપાયા

દિગ્જામ સર્કલ નજીક રીક્ષામાં શરાબની હેરાફેરી : ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે: બે આરોપી ફરાર : સિઘ્ધાર્થનગર, અનુપમ ટોકીઝ પાસે પોલીસ પ્રગટી : ઠેબા રોડ પર બિયના ૩ ટીન સાથે એકની અટક 

જામનગરના દિગ્જામ સર્કલ નજીક, સિધધાર્થનગર, અનુપમ ટોકીઝવાળી શેરી, ઠેબા રોડ ખાતે પોલીસે દારુ અંગે દરોડા પાડયા હતા, જેમાં જામનગર શહેરના સીટી સી વિભાગ વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે કાર્યવાહી કરી બજાજ મેક્સીમા રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ ૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે અન્ય બે ની સંડોવણી ખુલી હતી, આ ઉપરાંત સિઘ્ધાર્થનગરમાં એક મકાનમાંથી શરાબના ૪૮ ચપટા સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા હતા. અને ઠેબા રોડ પર બિયરના ૩ ટીન સાથે એકને દબોચી લેવાયો હતો ઉપરાંત અનુપમ ટોકીઝ નજીક શરાબની ૧૦ બોટલ સાથે બે શખ્સની અટકાયત કરવામાં આવી હતી. 

જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સીટી સી વિભાગ પોલીસ મથકના પોલીસ નિરીક્ષક એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી. એ. પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન સ્ટાફના યુવારાજસિંહ, વનરાજભાઇ, હાર્દિકભાઇને સંયુકત બાતમી  મળી હતી કે આરવ હાઇટ્સ વિસ્તારમાંથી બજાજ મેક્સીમા રીક્ષા નંબર જીજે-૩૨-યુ-૩૨૧૧ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી રીક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૨૪ ચપટા નંગ કિંમત રૂ. ૬૭,૨૦૦ મળી આવ્યા હતા.

પોલીસે દારૂ ઉપરાંત એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ અને રીક્ષા કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમ્યાનમાં સાગર કમલભાઈ વઢીયાર અને લક્ષ્મણ શેરસિંગ માલપરા બંને રહે. ખુલ્લી ફાટક પાસે બાવરીવાસ, જામનગરની ધરપકડ કરી છે. જ્યારે દિપુ કમલભાઈ વઢીયાર અને બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગરના સીટી-સી ડીવીઝન પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને સિઘ્ધાર્થનગર શેરી નં. ૨માં રહેતા લખન બાલા ઢચા અને ઇન્દીરા કોલોનીના હાલ સિઘ્ધાર્થનગરમાં રહેતા જયેશ સાજન પીંગળ નામના બંને શખ્સોને ભોગવટાના મકાનેથી વિદેશી દા‚ના ૪૮ ચપટા કિ. ૧૪૪૦૦ વેચાણ અર્થે રાખ્યા હોય બંનેને પકડી લીધા હતા અને દારુ બાબતે પુછપરછ કરી હતી. 

આ ઉપરાંત જામનગરના ખાદી ભંડાર સામે નવીવાસમાં રહેતા અસફાક ઇદરીશ મીયાવા નામના શખ્સને બિયરના ૩ ટીન સાથે ઠેબા રોડ પરથી પંચ-એ પોલીસે પકડી લીધો હતો. 

અન્ય દરોડામાં જામનગરના સીટી-બી ડીવીઝન પોલીસ દ્વારા રામેશ્ર્વરનગર માટેલ ચોક રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા મહેશ કમલેશ જેઠવાણી અને નાગેશ્ર્વર કોલોની શીતલા માતાના મંદિર પાસે રહેતા સચિન રામજી બારીયા આ બંને શખ્સોને અનુપમ ટોકીઝવાળી શેરીમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ લઇને નીકળતા પકડી લેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application