મેઘરાજાનો કહેર...બોટાદમાં ઈકો વોકળામાં તણાઈ, 6 લોકો લાપત્તા, NDRFની ટીમને બોલાવાઈ, અમરેલીમાં કાર તણાતા બેના મોત, જુઓ ભયાનક તસવીરો

  • June 17, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડ ગામે વોકળામાં ઈકો કાર તણાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. કારમાં આઠ લોકો સવાર હતા, જેમાંથી બે લોકોનો બચાવ થયો છે. જ્યારે છ લોકો લાપતા છે. બચાવ કામગીરી માટે વડોદરાથી NDRFની ટીમ બોટાદ જવા રવાના કરવામાં આવી છે. જેઓની શોધખોળ કરાઇ રહી છે. ભાવનગર-વલભીપુર હાઇવે પર ચમારડી પાસે આવેલા પુલ ઉપરથી પાણી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.


બાબરાના કુંડળ ગામે કુંડળમાં કાર તણાઇ જતાં એકનું મોત

બીજી તરફ અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદથી કુંડળ ગામે મધરાતે કોઝ-વેમાં કાર ફસાઇ હતી, જેમાં ત્રણ લોકો ફસાયા હતા. મધરાતે રેસ્ક્યૂ કરીને બે લોકોને બચાવી લેવાયા હતા જોકે, એકનું મોત થયું છે.


રાજુલામાં કાર તણાતા એકનું મોત

અમરેલી-રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે કોઝ-વે પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઇ ગઇ હતી. જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે.


ગઢડાનું કાપરડી ગામ સંપર્ક વિહોણું

ભારે વરસાદના પગલે ગઢડા તાલુકાનું કાપરડી ગામ સંપર્ક વિહોણું થયું છે. જ્યારે ગઢડાથી વનાળી, વિરડી, ગઢાળી અને રાજપીપળા જવાના રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત કાપરડીથી બોચડવા, ધોળા અને ઉજળવાવ સ્ટેશનો રસ્તો બંધ થયો છે.


ભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં આ રસ્તાઓ બંધ

ગઢડાના ઈશ્વરીયા-લાખણકા રસ્તો બંધ

ભારે વરસાદના પગલે ગઢડાના ઈશ્વરીયાથી લાખણકા ગામ જવાના રસ્તા પર આવેલો કોઝ-વે તૂટી જતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.


બોટાદમાં ધોધમાર વરસાદ

બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.


રાજ્યના 221 તાલુકામાં સામાન્યથી 14 ઇંચ જેટલો વરસાદ 

ગઈકાલે મોડી સાંજથી નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે અને એન્ટ્રી સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના 221 તાલુકામાં સામાન્યથી 14 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. આજે પણ રાજ્યભરમાં વરસાદ માટે આગાહી છે તેમાં રાજકોટ પોરબંદર ઓખા દ્વારકા વેરાવળ અને અમરેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે બે દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 19 સુધી વરસાદનું જોર રહેશે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ સાર્વત્રિક વરસાદ રહેશે અને રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે ભુજ ડીસા અમદાવાદ ભાવનગર સુરત વડોદરા માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ગુજરાત કોકણ ગોવા અને દક્ષિણના રાજ્યોમાં પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાવાની અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 19 સુધી વરસાદનું જોર રહેશે તેમ જણાવાયું છે.


મુંબઈમાં અટકી ગયેલું ચોમાસુ ગઈકાલ સાંજથી જ આગળ વધ્યું હતું

મુંબઈમાં અટકી ગયેલું ચોમાસુ ગઈકાલ સાંજથી જ આગળ વધ્યું હતું અને મોનસુન લાઈન આજે વેરાવળ ભાવનગર વડોદરા સુધી પહોંચી ગઈ છે. ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો અને વિદર્ભ છત્તીસગઢ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ તથા અરબી સમુદ્રના બાકી રહી ગયેલા ભાગોમાં આગામી બે દિવસમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


રાજ્યોમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યા

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં દરિયાની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આજે તે લો પ્રેસરમાં પરિવર્તિત થશે અને ત્યાર પછી આગામી 24 કલાકમાં નોર્થ દિશા તરફ ગતિ કરશે, આવું જ બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નજીક સર્જાયું છે અને આગામી 24 કલાકમા તે નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે. ગુજરાત ઉપરાંત પંજાબ અને દેશના અનેક રાજ્યોમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application