મહેસુલ, સામાજિક ન્યાય -અધિકારીતા વિભાગની જનસેવા કેન્દ્રની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ ઈ- ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી મારફત ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત બે વર્ષ અગાઉ થઈ હતી. આખરે તેનો અમલ હવે થઈ રહ્યો છે.
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સેક્શન ઓફિસર મેઘના સંત દ્વારા આ સંદર્ભે પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવ્યા મુજબ આ યોજનાનો હવે તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવી રહ્યો છે.
2007-08 થી ઈ- ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અમલમાં છે. આ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અધ્યતન, સુવ્યવસ્થિત, સરળ અને ઝડપી બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને હવે તેની સેવાનું મોટા ફલક પર વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે.
મહેસુલ વિભાગની કઈ 54 અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કઈ 13 સેવાઓ ગ્રામ્ય કક્ષાએ જ ઉપલબ્ધ કરવામાં આવશે તેનું લીસ્ટ પણ સરકારે અલગથી જાહેર કર્યું છે. આ કામગીરીમાં અરજદાર પાસેથી રૂપિયા 20 વસૂલવામાં આવશે જેમાંથી રૂપિયા 16 ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વીસીઈ)ને મળશે અને રૂપિયા 4 જે તે ગ્રામ પંચાયતને આપવામાં આવશે.
વારસાઈ પ્રમાણપત્ર, સોલવંશી પ્રમાણપત્ર, અધિનિયમ પ્રમાણપત્ર, દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, કેરેક્ટર સર્ટિફિકેટ, સરકારી ખાતાની જમીનની માપણી, સ્ટેમ્પ વેન્ડરનો પરવાનો રીન્યુ કરવા, બીન ખેતીની મંજૂરી, રાહત દરે ફાળવેલા પ્લોટ પર મકાન બંધકામની લોન મેળવવા નો- ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા સહિતની કામગીરી હવે ગ્રામ્ય કક્ષાએથી જ થશે અને અરજદારોએ આવા કામ માટે તાલુકા કે જિલ્લા કક્ષાના શહેર સુધી ધકકો ખાવો નહીં પડે.
આવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવાની, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ સહિતની 13 બાબતો હવે સ્થાનિક કક્ષાએ જ થઈ શકશે.