જામનગર: એરફોર્સ રોડ પર યુવકને માર મારી છ હજાર પડાવી લીધા
નગ્ન કરી વીડિયો ઉતાર્યો: મિત્રને માર મારવાનો વિરોધ કરતાં ચાર શખ્સો તુટી પડયા: એક્ટિવા અને મોબાઇલમાં તોડફોડ
જામનગરમાં એક યુવકને પોતાના મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે ચાર શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હતી. એટલું જ નહીં, બે શખ્સોએ યુવકના કપડાં ઉતારી નગ્ન હાલતમાં મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓએ યુવકની એક્ટિવામાં પથ્થર મારી તોડફોડ કરી તેમજ મોબાઇલ ફોન પણ ફોર્મેટ કરીને નુકસાન પહોંચાડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ઢીંચડા વિસ્તારમાં તીરૂપતિમાં રહેતા અને અભ્યાસ કરતા ૧૮ વર્ષના યશપાલસિંહ એમ. જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૭ સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં યશપાલસિંહ પોતાના મિત્ર સાથે તેની ફોરવ્હીલમાં ગાંધીનગર વિસ્તારમાં ગયો હતો. બાદમાં મિત્ર ઘરે ચાલ્યો જતાં ફરીયાદી તેની એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન આરોપીનો ફોન આવ્યો હતો અને નાયરા પેટ્રોલપંપ, એરફોર્સ રોડ, ઢીંચડા ખાતે બોલાવ્યા હતા.
ત્યાં પહોચતા દિવ્યરાજસિંહ ફરીયાદીના મિત્ર મયુર હાથલીયાને માર મારવાની વાત કરતા હોય જેથી ફરીયાદીએ કહેલ કે તે મારો મિત્ર છે તેને મારતા નહીં આમ કહેતા આ વાતથી ઉશ્કેરાયેલા શખ્સે અપશબ્દો કહી ચારેય જણા સાથે મળી ફરીયાદીને મુંઢમાર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી એક આરોપીએ સાથે દારૂ પીધેલ અને બાદમાં કહેવા લાગેલ કે દારૂ પીધેલ છે તેના રૂપીયા આપ જેથી ફરીયાદીએ રૂપીયા આપવાની ના પાડતા ચારેય એ મળી ફરીયાદીના ખિસ્સામાં રહેલ રોકડા ૬ હજાર બળજબરીથી કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે.
ત્યારબાદ ગૌતમ પરમાર અને દિવ્યરાજસિંહે ભેગા મળી યુવકના તમામ કપડાં બળજબરીથી ઉતારી નાખ્યા હતા અને ધ્રુવરાજસિંહ તથા મોહિતે પોતાના મોબાઇલ ફોનમાં યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલેથી પણ આરોપીઓ અટક્યા ન હતા. ચારેયે ભેગા મળી સ્થળ પર પડેલી યશપાલસિંહની એક્ટિવા પર પથ્થર મારી તોડફોડ કરી નુકસાન કર્યું હતું. ગૌતમે યુવકના મોબાઇલ ફોનને ફોર્મેટ કરી નીચે પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફરીથી ચારેયે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ બનાવમાં યુવકને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૦૮(૨), ૩૨૪(૪), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહિત ઉર્ફે ઉકેડીયો રહે. બધા જામનગરના નામ આપવામાં આવ્યા છે. ચારેયની સામે ફરીયાદ નોંધીને સીટી-સી પીઆઇ રાઠોડ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application