BREAKING NEWS

જામનગર: વામ્બે આવાસમાં મોબાઇલ નંબર લેવા ગયેલા યુવકને માર મારી ૭૦ હજાર પડાવી લીધા

  • August 15, 2026 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વામ્બે આવાસમાં મોબાઇલ નંબર લેવા ગયેલા યુવકને માર મારી ૭૦ હજાર પડાવી લીધા

ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ : બે સામે ફરીયાદ

જામનગરના વામ્બે આવાસના આઠ માળિયામાં મોબાઇલ નંબર લેવા ગયેલા એક યુવકને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી મહિલાએ તેના પતિ સાથે મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. ૭૦ હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જામનગરના ગાંધીનગર મોમાઇનગર શેરી નં.૫માં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના નાના રામપર ગામના દિનેશભાઈ હીરાભાઈ પઢારીયા (ઉ.વ.૩૩)એ ફરિયાદ નોંધાવી છે.

તા.૧૧ ઓગસ્ટના વહેલી સવારે દિનેશભાઈ વામ્બે આવાસના આઠ માળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતી ગુડી નામની મહિલાને ઓળખતા હોવાથી તેનો મોબાઇલ નંબર લેવા માટે તેઓ છઠ્ઠા માળે તેના ઘરે ગયા હતા. દિનેશભાઈ ઘરમાં પ્રવેશ્યા બાદ તેણીએ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ અંદરના રૂમમાંથી તેણીનો પતિ ફીરોજ મકરાણી બહાર આવ્યો હતો.
​​​​​​​
બંનેએ ફરીયાદીને અહીં શું કરવા આવ્યા છો તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને અહીંથી બચીને જવું હોય તો રૂ.૭૦ હજાર આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. દિનેશભાઈ પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે પોતાના મોબાઇલ પરથી પોતાના એસબીઆઈ ખાતામાંથી ફીરોજ મકરાણીના મોબાઇલ નંબર પર ફોન પે મારફતે પ્રથમ ૨૫ હજાર, બીજી વખત ૨૫ હજાર અને ત્રીજી વખત ૨૦ હજાર મળી કુલ ૭૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.

રકમ મળ્યા બાદ બંનેએ તેમને ત્યાંથી જવા દીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફીરોજ મકરાણી તથા ગુડી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૦૮(૪), ૩૦૮(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application