BREAKING NEWS

રાજકોટમાં એસટી બસના મુસાફરો છીનવી જતા ૭૩ વાહન ડિટેઇન, અન્ય ૨૦૧ને મેમો

  • May 20, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ : ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની વિજિલન્સ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા નો-પાર્કિંગ ઝોનના ભંગ તેમજ સીઓ ચેકિંગ અંતર્ગત એસટી બસ સ્ટેશન, બસ સ્ટોપ્સ અને હાઇવે એન્ટ્રી પોઈન્ટ્સ ઉપર એસટી બસની રાહ જોઇને ઊભેલા મુસાફરોને છીનવી જતાં ૭૩ ખાનગી વાહનો ડિટેઇન કરાયા હતા તેમજ અન્ય ૨૦૧ ખાનગી વાહનોને મેમો ફટકારી કુલ રૂ.૫,૯૮, ૨૪૯ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઇકો કાર, તૂફાન જીપ, સિટી રાઇડ, મીની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સની મોટી બસ સહિતના કુલ ૭૩ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૧૨૮ને ટ્રાફિક પોલીસના મેમો તેમજ ૨૬ને આરટીઓના મેમો ફટકારી સ્થળ ઉપર હાજર દંડ પેટે ૩,૧૫,૫૦૦ની વસૂલાત તેમજ ડિટેઇન વાહનોના દંડ પેટે ૨,૮૨,૭૪૯ મળી કુલ રૂ.૫,૯૮,૨૪૯ના દંડની વસૂલાત કરાઇ હતી. વિભાગીય નિયામકના આદેશથી આગામી દિવસોમાં પણ લગાતાર ચેકિંગ ચાલુ રહેશે. કામગીરીમાં રાજકોટ એસટી ડિવિઝનની વિજિલન્સ બ્રાન્ચ સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application