દેશભરમાં ગઈકાલે ૭૭ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નરના હસ્તે ધ્વજવંદનની સાથે સાથે પોલીસ પરેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્લાટૂનમાં પોલીસ જવાનો તેમજ સ્ટુડન્ટ કેડેટ દ્વારા પરેડ કરવામા આવી હતી. આ તકે પરેડમાં જોડાયેલા અલગ અલગ ટેબ્લોમાં વાહનો ચલાવતા સમયે મોબાઈલ પર વાત ન કરવા, સાયબર ક્રાઇમથી એલર્ટ રહેવા ઉપરાંત નશો કરી વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા સહિતનાં સ્લોગન દર્શાવવામાં આવ્યાં હતાં.
પ્રજાસત્તાક પર્વ પર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ ૭૭ માં ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે, ભારત વર્ષને વધુ મજબૂત અને વિકસિત બનાવવા બધા સાથે મળીને કામ કરીએ તેમજ ખાસ ભારતની સુરક્ષામાં જોડાયેલા લશ્કરી અને અર્ધલશ્કરી દળો તેમજ પોલીસના જવાનોને પણ ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.
રાજકોટ શહેરમાં કામગીરી કરનાર પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને પોલીસ કમિશનર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડિસીપી રાકેશ દેસાઈ, ડિસીપી હેતલ પટેલ, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યાં હતા. ઉપરાંત શહેર શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પોલીસ અધિકારીઓએ બ્લડ ડોનેટ કર્યું
હેડ ક્વાર્ટરમાં ગણતંત્ર દિવસની ઉજવણી જુસ્સા સાથે કરવામાં આવી હતી. જે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ડીસીપી રાકેશ દેસાઈ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતના તમામ અધિકારીઓ અને જવાનોએ બ્લડ ડોનેટ કરી સામાજિક ફરજ પણ બજાવી હતી.
મધ્યસ્થ જેલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલ અધિક્ષક વાગીશા જોશી (IPS) દ્વારા જેલ કેમ્પસમાં સ્ટાફના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમજ જેલની અંદર બંદીવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જેલના તમામ બંદીવાનોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવવામાં આવેલ. પ્રજાસત્તાક દિનના આ પાવન પર્વ દિન નિમિતે બંદીવાન ભાઈઓ તથા બહેનોમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તથાં તેઓમાં ખેલ ભાવના ઉજાગર થાય તે માટે અત્રેની જેલ ખાતે વિવિધ રમતો જેવી કે, વોલીબોલ, ખો-ખો, રસ્સા ખેંચ, સંગીત ખુરશી, કોથળા દોડ, લીંબુ સમચી, ચાંડલા ચોડવા જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોની સ્પર્ધામાં સબંધિત બંદીવાન ભાઈઓ-બહેનો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવેલ હતો. જેમાં વિજેતા સ્પર્ધકો તેમજ ટીમેને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા,આ કાર્યક્રમ દરમ્યાન નાયબ અધિક્ષક ડી.પી.રબારી, સિનિયર જેલર એમ.આર.ઝાલા, સિનિયર જેલર પી.કે. ચુડાસમા તથા અન્ય જેલરઓ તેમજ સ્ટાફ હાજર રહેલ હતાં.