BREAKING NEWS

વિજય માલ્યા પાસેથી હજુ પણ 8,752 કરોડ વસૂલવાના બાકી

  • October 03, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામેની કાનૂની લડાઈમાં એક મોટો ખુલાસો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમે (બેંકોના સમૂહે) બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું છે કે વિજય માલ્યા પાસેથી ઓગસ્ટ સુધીમાં હજુ પણ આશરે ૮,૭૫૨ કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.


બેંકોએ આ માહિતી એવા સમયે આપી છે જ્યારે માલ્યાએ પોતાની સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ અને ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી છે. માલ્યા અગાઉ દાવો કરી ચૂક્યા છે કે બેંકોએ તેમની પાસેથી લેણું પૂરતી માત્રામાં વસૂલ કરી લીધું છે, પરંતુ બેંકોએ આ દાવાને નકારી કાઢ્યો છે.

કોર્ટના નિર્દેશો બાદ બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કે ડેટ રિકવરી ઓફિસરે બોન્ડ વગેરેના આધારે અસ્થાયી રૂપે ૧૦,૨૭૦ કરોડ રૂપિયા અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરતા પહેલા ૫૪૪.૫૮ કરોડ રૂપિયા વસૂલ્યા છે, તેમ છતાં હજુ પણ મોટો હિસ્સો ચૂકવવાનો બાકી છે.


રિપોર્ટ અનુસાર જોઈએ તો જાન્યુઆરી સુધી આ આંકડો ૮,૧૩૫.૬૩ કરોડ રૂપિયા હતો.કાનૂની અને અન્ય ખર્ચાઓ ઉમેર્યા બાદ ઓગસ્ટના અંત સુધીમાં આ રકમ વધીને ૮,૭૫૧.૮૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બેંકો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ સ્પષ્ટ કર્યું છે કે બેંકો દ્વારા નાણાકીય કે એસેટ્સની રિકવરી થવા માત્રથી માલ્યા સામેના ફોજદારી કેસ કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની કાર્યવાહી પૂરી થઈ જતી નથી. ઈડીએ જણાવ્યું છે કે એસેટ્સની પુનઃપ્રાપ્તિ કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ તેનાથી માલ્યાના ગુનાહિત કેસો રદ થતા નથી.આ કેસની આગામી સુનાવણી ૧૩ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application