જામનગર: પંચકોશી-બીના પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મી સસ્પેન્ડ
જામનગર નજીક એસએમસીના દરોડા બાદ પોલીસ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાત
સુરેન્દ્રનગર અને એક પોલીસ કર્મીની દેવભૂમિ દ્વારકા બદલી : પોલીસબેડામાં ચકચાર
જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તાજેતરમાં બાતમીના આધારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂના કટિંગનો પર્દાફાશ કરી રૂ.૧,૩૭ કરોડનો મુદ્દામાલ કબજે કર્યા બાદ સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો, દરમ્યાનમાં આ પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ઉપરથી કડક પગલા લેવામાં આવ્યા છે જે મુજબ પંચકોશી-બી પોલીસ મથકની હદમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા પીએસઆઈ સહિત કુલ ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી જિલ્લાફેર બદલી કરવામાં આવી છે.
એસએમસીના દરોડા દરમિયાન રૂ.૩૭,૨૧,૮૪૮ની કિંમતની વિદેશી દારૂની ૧૦,૪૦૯ બોટલ મળી આવી હતી. ઉપરાંત બે ટ્રક, મોટરસાઇકલ સહિત કુલ પાંચ વાહનો કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.૧,૩૭,૫૮,૪૯૧ હોવાનું સામે આવ્યું હતું અને બે શખ્સોને પકડી લીધા હતા. નવની સંડોવણી ખુલી હતી.
નાઘેડીનો વિસ્તાર પંચકોશી-બી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પંચકોશી-બીના પીએસઆઈ એલ.બી. જાડેજા સહિત આઠ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એએસઆઈ ધર્મેન્દ્રસિંહ (ધમભા) ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પોલાભાઈ ઓડેદરા અને મયુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
સસ્પેન્શન સાથે જિલ્લાફેર બદલીનો પણ હુકમ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ ઝાલાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જ્યારે પીએસઆઈ એલ.બી. જાડેજા સહિતના બાકીના સાત પોલીસકર્મીઓની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નાઘેડી જીઆઈડીસીમાંથી વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ એસએમસીના દરોડામાં રૂ.૧.૩૭ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે, તો બીજી તરફ ઘટનાના પગલે એકસાથે આઠ પોલીસકર્મીઓ સામે સસ્પેન્શન અને જિલ્લાફેર બદલીની કાર્યવાહી થતાં જામનગર પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.