જામનગરમાં વકરતો ડેન્ગ્યુ, પાંચ દી’ માં ૯ કેસ
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્યલક્ષી કામગીરી અને સ્વચ્છતા ઝુંબેશ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ
સપ્ટેમ્બર મહીનામાં આઠ કેસ નોંધાયા તા: શહેરના અનેક વિસ્તારો તથા સરકારી કચેરીઓ મચ્છરોના ઉત્પતિ કેન્દ્વ બની
જામનગરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતા જનઆરોગ્ય પર જોખમથી શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. શહેરમાં પાંચ દીવસમાં ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધતા મહાનગરપાલીકાની આરોગ્યલક્ષી કામગીરી અને સ્વચ્છતાની ખાસ ઝુંબેશ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. સપ્ટેમ્બર મહીનામાં ડેન્ગ્યુના ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતાં. શહેરના અનેક વિસ્તારો તથા ખુદ સરકારી કચેરીઓ મચ્છરોના ઉત્પતિ કેન્દ્વ બનતા લોકો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાયા છે.
જામનગરમાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થયો છે. આમ છતાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળો વકરવાનું એક મુખ્ય કારણ મિશ્ર ઋતુ છે કે જેને કારણે મચ્છરનો ઉપદ્વવ વઘ્યો છે. બીજી બાજુ લોકજાગૃતિનો અભાવ પણ મહત્વનું કારણ છે. કારણ કે, રહેણાંક મકાનો, દુકાનો પાસે પાણી ભરાયેલા હોવા છતાં સફાઇ કે સ્વચ્છતા રાખવામાં આવતી નથી. બીજી બાજુ સરકારી કચેરીઓમાં પણ શૌચાલય તથા પાણીના પાત્રોની યોગ્ય સફાઇ ન થતાં મચ્છરોના ઉત્પતિ સ્થાન બની છે. આ કારણોસર શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે. સપ્ટેમ્બર મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના ૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. પરંતુ ઓકટોબર મહીનામાં ઘરખમ ઉછાળો આવ્યો છે. કારણ કે, ૧ થી ૫ ઓકટોબર એટલે કે પાંચ દીવસમાં શહેરમાં સરકારી આરોગ્ય કેન્દ્વમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૭ મળી કુલ ૯ કેસ નોંધાતા શહેરીજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. શહેરમાં ૩૦ દીગ્વિજય પ્લોટ, નહેરના કાંઠે રહેતા ૨૪ વર્ષના યુવાન હીત કનખરાનો પણ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘરમાં દવા છંટકાવ સહીતની કામગીરીની સાથે પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. આમ શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમા દોડધામ તો શહેરીજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
ડેન્ગ્યુના મચ્છર એક સાથે ૧૦૦ થી ૧૫૦ ઇંડા મૂકે છે
ડેન્ગ્યુનો રોગ માદા એડીસ મચ્છર કરડવાથી થાય છે. આ જાતિના મચ્છર દીવસના કરડે છે. ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા હોય તેમજ સવારે અને રાત્રીના ઠંડક તો બપોરે ગરમીના કારણે ડેન્ગ્યુના મચ્છરને અનુકુળ વાતાવરણ રહે છે. વળી, જે દર્દીને ડેન્ગ્યુ થયો હોય તેને મચ્છર કરડી અન્યને કરડે તો ચેપ ફેલાય છે. ડેન્ગ્યુના મચ્છર એકસાથે ૧૦૦ થી ૧૫૦ ઇંડા મૂકે છે. આથી એકીસાથે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર મોટી સંખ્યામાં જન્મ લેતા હોય આ રોગચાળો તીવ્ર ગતિએ ફેલાય છે.
જિલ્લામાં ૩૫ દીવસમાં ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા
જામનગર જિલ્લામાં પણ ડેન્ગ્યુનો રોચગાળો વકરી રહ્યો છે. કારણ કે, જિલ્લામાં સપ્ટેમ્બર મહીનામાં ડેન્ગ્યુના ૮ પોઝીટીવ કેસ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જયારે ઓકટોબર મહીનાના ૫ દીવસમાં ૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચૂકયા છે. આથી શહેરની સાથે જિલ્લામાં પણ ડેન્ગ્યુનો રોગચાળો વકરતા તકેદારી રાખવી ખૂબજ જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application