જામનગરમાં ચોમાસાની વિદાયને ૯ દી બાકી, ૫૪.૮૬ ટકા વરસાદની ઘટ..!
આજકાલ પ્રતિનિધિ
જામનગર
જામનગરમાં ચોમાસાની વિધિવત વિદાયને હવે ફકત ૯ દીવસ બાકી છે, ત્યારે ૫૪.૮૬ ટકા વરસાદની ઘટ પ્રર્વતી રહી છે. વરસાદની એકપણ પ્રકારની સીસ્ટમ ન હોય મેઘકૃપાના કોઇ અણસાર દૂર દૂર સુધી દેખાતા ન હોય જિલ્લામાં વરસાદની અડધો અડધ ખાઘ પડશે તેમાં બેમત નથી. ગત વર્ષે ૨૧ ઓકટોબર સુધીમાં જિલ્લામાં કુલ ૯૮.૧૨ વરસાદ નોંધાઇ ચૂકયો હતો. જેની સાપેક્ષમાં ચાલુ વર્ષે ૪૩.૨૬ ટકા વરસાદ જ વરસ્યો છે. લાલપુર તાલુકામાં સૌથી ઓછી ૨૬.૮૭ ટકા મેઘવૃષ્ટી થઇ છે. વરસાદની ઘટથી જળ સંકટ દીન-પ્રતીદીન ઘેં બની રહ્યું છે.
જામનગર શહેર-જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ જૂનના વિધિવત ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ ચાલુ વર્ષે મેઘરાજાએ સણા લીધા હોય તેમ શહેર-જિલ્લામાં ખૂબજ અપૂરતો વરસાદ વરસ્યો છે. આથી જિલ્લાના મોટાભાગના ડેમ મેદાન બન્યા છે. અન્ય ઋતુની જેમ ચોમાસાના પણ ચાર મહીના હોય છે. ચાલુ વર્ષે ૩૧ ઓકટોબરના વિધિવત રીતે ચોમાસું વિદાય લેશે તેમ ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. ત્યારે ચોમાસાને હવે ૯ દીવસ બાકી રહ્યા છે. અત્યાર સુધીમાં એટલે કે ૨૧ ઓકટોબર સુધીમાંજામનગર જિલ્લામાં કુલ સરેરાશ ૪૩.૨૬ ટકા વરસાદ વરસ્યો છે. જયારે ગત વર્ષે આ સમયગાળામાં જિલ્લામાં કુલ સરેરાશ ૯૮.૧૨ ટકા વરસાદ વરસી ચૂકયો હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૫૪.૮૬ ટકા વરસાદની ઘટ પ્રર્વતી રહી છે.
અત્રે નોંધનીય છે કે, વરસાદની કોઇ સીસ્ટમ સક્રીય નથી. આથી આગામી દીવસોમાં વરસાદની કોઇ આગાહી કે સંભાવના નથી. આ કારણોસર ચાલુ વર્ષે ચોમાસાની વિધિવત વિદાય બાદ પણ જામનગર જિલ્લામાં અડધો અડધથી વધુ વરસાદની ખાઘ પડશે તેમાં બેમત નથી. આથી જળસંકટ ઘેં બનશે. ગત વર્ષે ૨૧ઓકટોબર સુધીમાં જામનગર તાલુકામાં ૭૯.૯૮ ટકા, જોડીયા તાલુકામાં ૧૪૯.૬૩ ટકા, ધ્રોલ તાલુકામાં ૮૨.૪૬ ટકા, કાલાવડ તાલુકામાં ૯૮.૭૪ ટકા, લાલપુર તાલુકામાં ૭૫.૬૪ ટકા અને જામજોધપુર તાલુકામાં ૧૦૬.૬૦ ટકા વરસાદ વરસ્યો હતો. જયારે ચાલુ વર્ષે ૨૧ ઓકટોબર સુધીમાં જામનગર તાલુકામાં ૩૯.૦૨ ટકા, જોડીયા તાલુકામાં ૪૮.૦૭ ટકા, ધ્રોલ તાલુકામાં ૫૭.૧૭ ટકા, કાલાવડ તાલુકામાં ૪૧.૦૦ ટકા, લાલપુર તાલુકામાં ૨૬.૮૭ ટકા અને જામજોધપુર તાલુકામાં ૫૦.૫૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે જિલ્લામાં ૨૧-૧૦-૨૦૨૫ સુધીમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ ૧૪૯.૬૩ ટકા અને સૌથી ઓછો લાલપુર તાલુકામાં ૭૫.૬૪ ટકા વરસાદ વરસ્યો હતો. જયારે ચાલુ વર્ષે ૨૧ ઓકટોબર સુધીમાં લાલપુર તાલુકામાં સૌથી ઓછો ૨૬.૮૭ ટકા અને સૌથી વધુ ધ્રોલ તાલુકામાં ૫૭.૧૭ ટકા વરસાદ વરસ્યો છે.