ધારી તાલુકાના ગોપાલગ્રામ-સરંભડા રોડ પર આવેલા સીમ વિસ્તારમાં આજે ધોળા દિવસે બનેલી એક કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી. પરપ્રાંતીય મજૂર પરિવારનો પાંચ વર્ષનો બાળક પોતાની માતાની નજર સામે જ દીપડાનો શિકાર બન્યો હોવાની ઘટના સામે આવી છે.
બાળક વાડીએ રમતો હતો અને દીપડો ઉપાડી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર પરપ્રાંતીય મજૂરનો પાંચ વર્ષનો પુત્ર સાહીલ રાકેશભાઈ કટારા બપોરના સમયે રમતો હતો. આ દરમિયાન નજીકના તુવેરના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળકને ઉપાડી લઈ ગયો હતો. સમગ્ર ઘટના બાળકની માતીની નજર સામે બની હોવાને કારણે તે તત્કાળ ચીંસો પાડવા લાગી હતી. આ ઘટના બાવચંદભાઈ પ્રેમજીભાઈ વાઘેલાની વાડીમાં બની હતી.
દીપડાને ખદેડવાનો પ્રયાસ કર્યો અને થયું આવું
ચીસો સાંભળીને આસપાસના ખેડૂતો અને મજૂરો એકત્ર થયા હતા અને દીપડાને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. થોડી જ વારમાં દીપડો બાળકને છોડીને નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તુરંત જ ચલાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના
ધોળા દિવસે બનેલી આ ઘટનાથી ગોપાલગ્રામ, સરંભડા સહિત આસપાસના ગામોમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. લોકોમાં વન્ય પ્રાણીના હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં દીપડાની હલચલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
માનવ વસવાટ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ગંભીર સવાલો ઉઠ્યા
સ્થાનિક લોકોએ વનવિભાગ પાસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા, પાંજરા મુકવા અને કામકાજ માટે જતા મજૂરો તથા બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. આ દુર્ઘટનાએ એક પરિવારને અજાણ્યો આઘાત આપ્યો છે અને વન્ય પ્રાણીઓ તથા માનવ વસવાટ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.