ગ્રામીણ વિસ્તાર અને શહેરમાં ઔધોગિક વસાહતવાળા વિસ્તારોમાં ડીગ્રી વગરના ડોકટર કલિનિક ખોલી લોકોના ઇલાજ કરવા લાગે છે. ત્યારે પોલીસ પણ સમયાંતરે ચેકીંગ કરી આવા બોગસ તબીબનો ઇલાજ કરે છે. દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જેતપુરના કણકીયા પ્લોટમાં દરોડો પાડી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો હતો. દસ પાસ બિહારી શખસ જેતપુરમાં તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ કડક સુચનાથી રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ જેતપુર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ રઘુભાઇ ત્રકતા સહિતના સ્ટાફને જેતપુરમાં કણકીયા પ્લોટ અંબર સીનેમા પાછળ રહેતો એક બિહારી શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી આરોગ્ય સાથે ચેડા કરે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ત્યાં બોર્ડ માર્યા વગરનું દવાખાનમાં બેસેલ શખ્સને અટકમાં લઈ નામ પૂછતાં પોતાનું નામ નથુની ઉર્ફે મનીષ જગદીશ પાસવાન (રહે. કણકીયા પ્લોટ અંબર સીનેમા પાછળ જેતપુર, મૂળ બિહાર) હોવાનું જણાવ્યું હતું.
તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવતો હોવાથી તેની ધરપકડ કરી તેના કબજામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો મળી કુલ રૂ.૫૧,૬૫૫ નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સના બિહાર રહેતાં પરિવારમાંથી સભ્ય તબીબ હોય તેની પાસેથી ડૉક્ટરી શીખી ૧૦ પાસ શખ્સે દસ વર્ષ પહેલાં જેતપુરમાં સ્થાયી થઈ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાં લાગ્યો હતો. જે બાદ તે વર્ષ ૨૦૧૫ માં પકડાઈ પણ ચુક્યો હતો. જો કે, જેલમાંથી છૂટી ફરી તે દવાખાનું ખોલી દવા દેવાં લાગ્યો હતો.
આ કામગીરમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં એએસઆઇ પરબતભાઇ શામળા, કોન્સ્ટેબલ રઘુભાઇ ત્રકતા, નિર્મળસિંહ ચુડાસમા, ચિરાગભાઇ કોઠીવાર અને કલ્પેશભાઇ કોઠીવાર સાથે રહ્યા હતાં.