દેશભરમાં નવરાત્રિથી શરૂ કરીને દિવાળી સુધીના તહેવારોની સિઝનમાં ભારતીય બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. આ વર્ષે તહેવારો દરમિયાન સમગ્ર દેશમાં સાત લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યાપક વેપાર થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. વ્યાપારી સંગઠન 'કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ' અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ કારોબારમાં 15થી 18 ટકાનો વધારો થવાની ધારણા છે. ગ્રાહકોના ઉત્સાહ અને બજારની સ્થિતિને જોતાં લગભગ 77 ટકા લોકો આ વર્ષે તહેવારોની ખરીદી પર વધુ ખર્ચ કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે.બજારમાં કપડાં, સોના-ચાંદીના દાગીના, ઇલેક્ટ્રોનિક્સ, મીઠાઈ, પૂજા સામગ્રી અને ઘર સજાવટની વસ્તુઓની ભારે માંગ જોવા મળી રહી છે. આંકડાઓ અનુસાર ગ્રાહકોની ખરીદીમાં સૌથી મોટો હિસ્સો પૂજા સામગ્રી, ફળ, સૂકો મેવો, વાહનો અને અન્ય વસ્તુઓનો 33 ટકા છે. આ સિવાય રોજના વપરાશની સામગ્રી 12 ટકા, સોના-ચાંદી અને ઘરેણાં 10 ટકા, ઇલેક્ટ્રોનિક્સ આઠ ટકા, વીજળીના સાધનો આઠ ટકા, રેડિમેડ કપડાં સાત ટકા, ગિફ્ટ આઇટમ્સ સાત ટકા, ફર્નિચર પાંચ ટકા, ઘર સજાવટની વસ્તુઓ પાંચ ટકા અને મીઠાઈ-નમકીન પાંચ ટકાનો સમાવેશ થાય છે.માત્ર ભૌતિક સામાન જ નહીં, પરંતુ સેવા ક્ષેત્ર (સર્વિસ સેક્ટર) સાથે જોડાયેલા બિઝનેસમાં પણ 20 થી 25 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષે આ ક્ષેત્રનો કારોબાર રૂ.65,000 કરોડ રહ્યો હતો, જે આ વર્ષે વધીને રૂ.80,000 કરોડથી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. સામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટ), ઓનલાઇન ડિલિવરી, પેકેજિંગ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, ટેક્સી, ટેન્ટ અને ડેકોરેશન જેવી સેવાઓની માંગ સતત વધી રહી છે. આનાથી નાના વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે પણ કમાણીની નવી તકો ઊભી થઈ છે.બજારમાં પ્રીમિયમ ઉત્પાદનો ખરીદવાનો ગ્રાહકોનો ઉત્સાહ ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલા ફેસ્ટિવલ સેલમાં વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે, જેમાં 40 ટકા યોગદાન પ્રીમિયમ પ્રોડક્ટ્સનું છે. કિંમતો વધવાને કારણે બજેટ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ પ્રીમિયમ સ્માર્ટફોન અને ગેજેટ્સની માંગમાં 20 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો તહેવારોની સિઝનમાં ભારતીય બજારનો કારોબાર સતત વધતો રહ્યો છે. વર્ષ 2023 માં તહેવારોનો કારોબાર રૂ.3.75 લાખ કરોડ હતો, જે 2024માં વધીને રૂ.4.25 લાખ કરોડ થયો. 2025માં આ આંકડો રૂ.6.05 લાખ કરોડ પર પહોંચ્યો હતો અને 2026માં તે રૂ.7.0 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચવાની ધારણા છે. આ સતત વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતી અને ગ્રાહકોની વધતી ખરીદશક્તિ દર્શાવે છે.