BREAKING NEWS

ભાયાવદરમાં ધો.10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો, મેડિકલનો ઓનલાઇન કોર્સ કર્યો હોય તેનું સર્ટી. બતાવી લોકોને છેતરતો

  • December 06, 2025 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાયવદર પોલીસે અહીંની સરસ્વતી સોસાયટીમાં રહેતો અને ઘરમાં જ કિલિનક ચલાવનાર બોગસ તબીબને ઝડપી લીધો હતો. આ શખસ ધો.૧૦ પાસ હોય તેણે મેડિકલનો ઓનલાઇન કોર્સ કર્યો છે. જેના દ્વારા તે માર્યાદિત દવાઓ આપી શકે છે તેમછતા તે અહીં કલિનિકલ ખોલી લોકોના ઇલાજ કરી દવા ઇન્જેકશન આપતો હોય પોલીસે તેની સામે મેડિકલ પ્રેકટિશનર એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર અને ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડવા સુચના આપવામાં આવી હોય જેને લઇ ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, સરસ્વતી સોસાયટી ખાતે રહેતો અમીન ગફારભાઈ વીછી પોતાના મકાનમાં ક્લિનિક ખોલી કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વિના એલોપેથિક ઇન્જેક્શન તથા એન્ટિબાયોટિક દવાઓ રાખી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. જેથી ભાયાવદર પોલીસની ટીમ તથા કોલકી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર તથા સ્ટાફના માણસોને સાથે રાખી અહીં ક્લિનિકમાં તપાસ કરી હતી.


ક્લિનિકમાં પોતાને ડોક્ટર તરીકે ઓળખાવનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ અમીન ગફારભાઈ વિછી હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી જરૂરી મેડિકલ ડિગ્રી માંગતા આવી કોઈ ડીગ્રી તેની પાસે ન હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે અહીંથી એલોપેથિક દવા, ઇન્જેક્શન સહિત 9,957 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસના એકટ મુજબ ગુનો નોંધ્યો છે.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયેલ અમીન વિછી ધોરણ 10 પાસ હોય તેણે ઓનલાઈન મેડિકલનો કોર્સ કર્યો છે જે કોર્સ થકી તે મર્યાદિત દવાઓ આપી શકે છે. પરંતુ એલોપેથીક દવા અને ઇન્જેક્શન ન આપી શકે છતાં લોકોને આ સર્ટી. દેખાડી પોતે ડોક્ટર હોવાની ઓળખ આપી જન આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તે અગાઉ ધોરાજીમાં ક્લિનિક ચલાવતો હતો અને છેલ્લા બે વર્ષથી ભાયાવદરમાં ક્લિનિક શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.તબીબીને ઝડપી લેવાની આ કામગીરીમાં ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અરુણકુમાર ખટાણા, મહેશભાઈ ગમારા, રોહિતભાઈ વાઢેળ, કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા અને કોલકી પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસર માનસી શેખલીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application