રાજકોટ શહેરમાં સંગઠિત ગુના અચરતા ગુનેગારોની ગેંગનો સફાયો કરવા ક્રાઈમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી ૮ મી ગેંગ સામે શસ્ત્ર સજાવ્યું હતું ત્યારે તાજેતરમાં પેંડા ગેંગ,મુરઘા ગેંગ,બાટલી ગેંગના ૧૪ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કર્યા બાદ થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી વધુ એક ઓડિયા ગેંગના ૧૦ સાગરીતો સામે ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરતા રાજકોટમાં ગેંગ બનાવી પ્રજાને રંજાડતા આવારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગુનાખોરીનો સફાયો કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગરીયા, દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકીઓ અને ગેંગ સામે કાયદા હેઠળ જેલમાં ધકેલવા અભિયાન શરૂ કરવા આદેશ કર્યા હતા.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના યુવા જોશીલા આઇપીએસ જગદીશ બાંગરવાની રાહબરીમા એસીપી ક્રાઈમ બીબી.બસીયા, પીઆઇ એમ આર ગોંડલીયા, પી.આઈ મનોજ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પી.એસ.આઇ સી.બી જાડેજા, દ્વારા રાજકોટમાં ગુંડાગીરી કરતા કુખ્યાત આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર સજાવ્યા બાદ પેંડાગેંગ, મુરધાગેંગ,બાટલીગેંગને જેલના સાગરીતોને જુદી જુદી જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા હતા.
બાદ વધુ એક થોરાળા વિસ્તારમાં સક્રીય ચોથી ઓડીયા ગેંગના કુલ ૧૦ સાગરીતો વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ (G.C.T.O.C) મુજબ ગુન્હો નોંધી આ અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
જેમાં ઓડીયા ગેંગ નામની ટોળકીના સાગરીતો દ્વારા ખૂન, ખુનની કોશિશ, ધમકીઓ, અપહરણ, લુંટ કરવી, બગાડ કરવો, ગે.કા.મંડળ રચી હુમલા કરવા ધરફોડ ચોરીઓ, ફરજમાં રૂકાવટ, એટ્રોસિટી તેમજ દારૂ જેવા ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી સંગઠીત ગુના આચરતી ટોળીને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખ્સોનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી ગંભીર ગુન્હાઓ કરવામાં તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરેલ તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી.
જેથી જાણવા મળેલ કે શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેંગ નો મુખિયા અવેશ અયુબભાઇ ઓડીયા રહે. નવા થોરાળા શેરી નં.૦૧, ઓડીયા પાન પાસે, ભાવનગર રોડ વાળો સંગઠીત ગુના આચરતી ટોળી બનાવેલ જે ઓડીયા ગેંગ તરીકે ઓળખાય છે આ ગેંગ દ્વારા સને ૨૦૧૬ થી ૨૦૨૫ દરમ્યાન રાજકોટ શહેરમા ૧૫ થી વધુ ગુનાઓ આચર્યા હોય ગુજસીટોક હેઠળ ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની કામગીરીમાં યુવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા એસીપી ક્રાઇમ બી.બી.બસીયા પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા પીએસઆઇ સી.બી.જાડેજા, એએસઆઈ જનકભાઇ કુગસીયા, પ્રતીકસિંહ રાઠોડ,સહિતની ટીમ જોડાઈ હતી.
ઓડિયા ગેંગના આ ૧૦ આરોપી સામે ગુજસીટોકની કાર્યવાહી
(૧) અવેશ અયુબ ઓડિયા રહે. નવા થોરાળા
(૨) સબ્બીર ઉર્ફે બોદુ સતારભાઇ ઓડીયા રહે. નવા થોરાળા
(3) ઇમ્તીયાજ આબીદભાઇ ઓડીયા રહે. નવા થોરાળા
(૪) નયન જયોતીષભાઇ દાફડા રહે. નવા થોરાળા
(૫) આબીદ ગનીભાઇ ઓડીયા રહે. નવા થોરાળા
(૬) અનીશ આબીદભાઇ ઓડીયા રહે, નવા થોરાળા
(૭) અબ્દુલ અનવરભાઇ દલ રહે. નવા થોરાળા
(૮) શાહિદ અશરફભાઇ ઓડીયા રહે. નવા થોરાળા
(૯) મીત કિશોરભાઇ પરમાર રહે. વણકરણવાસ
(૧૦) અરબાઝ રફીકભાઇ રાઉમા રહે. નવા થોરાળા
ઓડિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર હાલ પાસામાં ભાવનગર જેલમાં
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ઓડિયા ગેંગના ૧૦ સાગરીતો સામે ગુનો દાખલ કરી ૯ ની ધરપકડ કરી છે જેમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ અયુબભાઇ ઓડીયા અન્ય ગુનામાં હાલ પાસા હેઠળ ભાવનગર જેલ ખાતે હોય જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે.
રાજકોટની આ આઠ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધાયા
સરકાર દ્વારા ગુજસીટોક ની અમલવારીના આદેશ કરતા રાજકોટ શહેરમાં ગુનાખોરીને ડામી દેવા પ્રથમ દૂધ સાગર રોડ ની કુખ્યાત ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ગેંગ, ભીસ્તિવાડ ગેંગ, ચડ્ડી બનીયાન ગેંગ, રમેશ રાણા ગેંગ, પેંડા ગેંગ મુરઘા ગેંગ બાટલી ગેંગ,ઓડિયાગેંગ, સહિત કુલ 8 ગેંગે સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.