શહેરમાં આત્મહત્યાના વધતા બનાવ વચ્ચે કિશોરવયના બાળકો પણ આપઘાત તરફ પ્રેરાઈ રહ્યા છે, ગણતરીના દિવસ પહેલા જ માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ધો.6ના વિધાર્થીને ભણવું ગમતું ન હોવાથી પેડક રોડ પર આવેલી પ્રાઇવેટ સ્કૂલમાં ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ગઈકાલે સત્યમ્ પાર્ક પાસે આવેલા સહેલીના એપાર્ટમેન્ટના છઠા માળેથી ધો.9ની છાત્રાએ કૂદકો મારી દેતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઇ છે.
અશ્વીની બેની એકની એક બહેન છે
બનાવની મળતી વિગત મુજબ ૮૦ ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમની સામે સત્યમ્ પાર્ક -૨માં રહેતી અશ્વિની સંતોષભાઈ બાબર (ઉ.વ.15)ની કિશોરી ઘરેથી નજીક રહેતી સહેલીના ઘરે જવાનું કહી નીકળ્યા બાદ સહેલીના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દેતા સહેલી અને તેના પરિવારજનો સહિતના દોડી ગયા હતા અને તાકીદે સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. અશ્વીની બેની એકની એક બહેન છે અને ધોરણ-૯માં અભ્યાસ કરે છે. તેના પિતા સંતોષભાઇ ચાંદી કામ કરે છે. મૂળ મહારાષ્ટ્રના વતની છે.
માતા-પિતા મહારાષ્ટ્ર વતનમાં ગયા હતાં
માતા-પિતા મહારાષ્ટ્ર વતનમાં ગયા હતાં. સાંજે ભાઈ ઘરે હતો ત્યારે અશ્વીની નજીકના એપાર્ટમેન્ટમાં રહેતી સહેલીના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદપગલું ભરી લીધું હતું. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો અજાણ હોય અને કિશોરીની હાલત પણ ગંભીર હોવાથી ભાનમાં આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે. થોરાળા પોલીસે તપાસ યથાવત રાખી છે.