રાજકોટ શહેરમાં ૨૯ ઑક્ટોબરે મધરાત્રે ૩:૩૦ વાગ્યે મંગળારોડ પર નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ પેંડા ગેંગના 17 આરોપી સામે ગુજસીટોકનો ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા બાદ મુરઘા ગેંગ સામે ગુજસીટોકનો ગાળીયો તૈયાર કરી 21 જેટલા મુરઘા ગેંગના સાગરીતો સામે સાંજ સુધીમાં ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દેવા તખ્તો તૈયાર કરી લેવાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા એક માસ પૂર્વે શહેરના મંગળા રોડ પર મધ્યરાત્રીએ રાજકોટની બે કુખ્યાત પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે સામસામા ધાણી ફૂટ ફાયરિંગના બનાવમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરી, ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી કરવા મહત્વનું નિર્ણય લીધો હતો.
આ ફાયરિંગના બનાવ બાદ બંને ગેંગ સામે ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓને મદદગારી કરનાર તેમજ હથિયાર સપ્લાય કરનાર સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. તેમજ બનાવ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા તેમજ ઉત્તર પ્રદેશમાં ભાગી ગયેલા આરોપીઓને પણ અલગ અલગ ટીમો દોડાવી ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ પેંડા અને મુરઘા ગેંગના રિમાન્ડ મેળવ્યા બાદ તમામ આરોપીની આગવી ઢબે સરભરા કરી સમાજ સુધારક યંત્ર દ્વારા આગતા સ્વાગતતા કરી ભાંભરડા નખાવી દીધા હતા. એટલું જ નહીં તમામ આરોપીઓને લંગડાતા કરી દઈ ઘટનાસ્થળે રી કન્ટ્રક્શન કરાવી લોકો સમક્ષ હાથ જોડાવી બીજીવાર ગુના નહીં કરે તેવી માફી મંગાવી હતી.
ત્યારબાદ રાજકોટમાં આવી નવી ગેંગો બનતી અટકાવવા મહત્વનો નિર્ણય લઇ બંને ગેંગ સામે ઐતિહાસિક પગલાં લેવા નિર્ણય લીધા બાદ પ્રથમ પેંડા ગેંગ સામે સંગઠિત ગુના આચરનાર ગેંગના 17 સાગરીતો સામે ગુજસીટોકના ગુના દાખલ કરી તમામ આરોપીઓને વેરવિખેર કરી રાજકોટ સિવાયની અલગ અલગ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ત્યારબાદ મુરઘા ગેંગના ઝડપાયેલા સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો પઠાણ સહિત 10 જેટલા સાગરીતો તેમજ હથિયાર સપ્લાય કરનાર તેમજ વાહનમાં આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર આરોપીઓ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આરોપીઓ પાસે રી કન્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યા બાદ મુરઘા ગેંગના આરોપીઓ સામે ગુજર્સીટોકનો તખ્તો તૈયાર કરી કુલ 21 જેટલા આરોપીઓ સામે સાંજ સુધીમાં ગુનો દાખલ કરવામાં આવનાર છે.
ફાયરિંગ પ્રકરણમાં સીપીએ એસઆઇટી ટીમની રચના કરી હતી
પોલીસ કમિશનર ઝા દ્વારા એસઆઇટીની રચના કરી ડીસીપી જગદીશ બાંગરવાની આગેવાનીમાં એસીપી ક્રાઈમ બી બી બસીયા સહિતના અધિકારીઓ ને તપાસ સોપવામાં આવ્યા બાદ પેંડા અને મુરઘા ગેંગના ભૂગર્ભમાં ઊતરી ગયેલા આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી ની જુદી જુદી ટીમો રાત દિવસ એક ગેંગને ઘુંટણીએ પાડવામાં સફળતા મેળવી હતી.
મુરઘા ગેંગના આ આરોપીઓ સહિત ૨૧ ફરી જેલમાં ધકેલાશે
મૂરઘા ગેંગના સૂત્રધાર સમીર ઉર્ફે મુર્ગા પઠાણ, સમીર ઉર્ફે સંજલો જુણેજા, અબ્દુલ ઉર્ફે દુલિયો ધાડા, શાનવાજ ઉર્ફે દુલિયો ધાડા, સોહીલ ચાનીયા, સાહિલ ફકીર, અમન પીપરવાડીયા, આબિદ ગોધાવીયા, અસરફ શેખ, મુજક્કીર ઉર્ફે મોજુડો બ્લોચ, અરમાન ઉર્ફે ચક્કી સાંધ સહિત કુલ 21ને અલગ અલગ જેલમાં ધકલાશે.
અરમાન ઉર્ફે ચકી ભુજ પાલરા જેલમાં હોય કબજો લેવા ટીમ રવાના
મુરઘા ગેંગ સામે ફાયરિંગ નો ગુનો નોંધાયા બાદ કાયદાનું ભાન કરાવવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપી અરમાન ઉર્ફે ચક્કી હાલ ભુજ પાલરા જેલમાં હોય જેના અદાલતે જામીન મંજૂર કર્યા છે તે જેલ બહાર નીકળે તે પહેલા જ તેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચ ની એક ટીમ ભુજ ખાતે દોડી ગઈ છે.