આજના ડિજિટલ યુગમાં લોકોના હાથમાં મોબાઇલ છે, સોશિયલ મીડિયા પર મિત્રોની લાંબી યાદી છે અને આખો દિવસ મેસેજની આપ-લે ચાલે છે. તેમ છતાં, મનની વાત સાંભળનાર કોઈ ન મળે ત્યારે વ્યક્તિ એકલતા અનુભવે છે. આજની જીવનશૈલીનો આ વિરોધાભાસ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહ્યો છે.કામનું દબાણ, જવાબદારીઓ અને સતત મોબાઇલનો ઉપયોગ લોકોને માનસિક રીતે થકવી રહ્યા છે. ઘણી વખત માનસિક થાકને સામાન્ય તણાવ અથવા ખરાબ મૂડ સમજીને અવગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અન્ય લોકોના જીવન સાથે પોતાની સરખામણી કરવાથી પણ અસંતોષ અને એકલતાની લાગણી વધી શકે છે. મોબાઇલના કારણે સંપર્ક વધ્યો છે, પરંતુ પરિવાર સાથે બેસીને વાતચીત કરવાનો અને પોતાની લાગણીઓ વહેંચવાનો સમય ઘટ્યો છે.હોસ્પિટલના મનોચિકિત્સક સામાજિક કાર્યકર અર્પણ નાયકના જણાવ્યા અનુસાર, સતત સ્ક્રીન પર વ્યસ્ત રહેવું, સોશિયલ મીડિયા પર બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી અને રૂબરૂ વાતચીત ઓછી થવી એકલતાની લાગણી વધારી શકે છે. તેથી મોબાઇલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાને બદલે તેના ઉપયોગમાં સંતુલન જાળવવું જરૂરી છે.અખબારી અહેવાલ મુજબ, ગુજરાતની હોસ્પિટલોમાં માનસિક બીમારીઓના નોંધાયેલા દર્દીઓની સંખ્યા વર્ષ 2019-20માં 8,64,311 હતી. વર્ષ 2020-21માં આ સંખ્યા વધીને 9,45,665 થઈ હતી. વર્ષ 2021-22માં 10,26,404, વર્ષ 2022-23માં 11,23,660, વર્ષ 2023-24માં 12,30,730 અને વર્ષ 2024-25માં 13,53,803 દર્દીઓ નોંધાયા હતા. વર્ષ 2025-26માં આ આંકડો વધીને 15,43,336 થયો હતો. આમ, સાત વર્ષમાં દર્દીઓની સંખ્યામાં આશરે 78.6 ટકાનો વધારો નોંધાયો હતો.અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. અજય ચૌહાણના જણાવ્યા અનુસાર, સતત ઉદાસી, ચીડિયાપણું, બેચેની, ઊંઘમાં ફેરફાર અને કામકાજ કે સંબંધો પર થતી નકારાત્મક અસરને અવગણવી જોઈએ નહીં. આવા લક્ષણો લાંબા સમય સુધી રહે તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો સાથે ખુલ્લા દિલે વાત કરવી, પૂરતી ઊંઘ લેવી અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર જોડાયેલા રહેવા કરતાં વાસ્તવિક જીવનમાં લાગણીસભર સંબંધો જાળવવા વધુ મહત્ત્વપૂર્ણ છે.